Mysamachar.in:રાજકોટ
કાશ્મીરમાં મહાઠગ કિરણ પટેલએ કેવા પ્રકારના ખેલ પાડ્યા અને ભૂતકાળમાં આ શખ્સે ગુજરાતમાં પણ ક્યાં ક્યાં ફૂલ ખિલવ્યા હતાં ?! તે અંગેની વિગતો ક્રમશઃ જાહેર થતી રહે છે તે દરમિયાન, આ પ્રકારનો અન્ય એક શખ્સ રાજકોટમાં કળા દેખાડી ગયો છે, એવું જાહેર થયાં બાદ આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ તે રિમાન્ડ પર છે.
આ શખ્સનું નામ હિતેષ ઠાકર છે. જે વડોદરાનો રહેવાસી છે. તે પોતાની ઓળખાણ ઘણાં સ્થળે બોટાદના ડેપ્યુટી કલેકટર તરીકે આપતો હતો. આ ઉપરાંત આ શખ્સ એવી વાતો કરતો હતો કે, પોતે IB માં ડેપ્યુટી ડાયરેકટર છે. આ શખ્સે આવી વાતો ચલાવી, રાજકોટનાં એક કારખાનેદાર સાથે છેતરપિંડી કરી છે. રૂ.1.22 કરોડની આ છેતરપિંડી આચરનાર આ શખ્સ વિરુદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એક કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ બાવનજી નારિયાએ આ નકલી IAS હિતેષ પ્રવિણચંદ્ર ઠાકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આ શખ્સને હાલ 9 દિવસનાં રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. આ શખ્સે કારખાનેદારને એવી લાલચ દેખાડી હતી કે, તેને ડિફેન્સ વિભાગમાં કોન્ટ્રાક્ટ અપાવી દેશે. આ શખ્સની પ્રથમ ઓળખાણ ફરિયાદીના ભાઈ વિજય નારીયા સાથે થયેલી. બાદમાં આ શખ્સે ફરિયાદીને રાજકોટમાં કારખાનાં માટે સસ્તી સરકારી જમીન અપાવી દેવાની લાલચ પણ આપી હતી.
હિતેષ ઠાકર નામનો આ શખ્સ વડોદરામાં માંજલપુર વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટીમાં રહે છે. જે બે વર્ષ પહેલાં વિજય નારીયા અને પછી અલ્પેશ નારીયાના સંપર્કમાં આવ્યો હતો. આ શખ્સ પણ મહાઠગ કિરણ પટેલ માફ્ક વાતો દ્વારા પોતાનો પ્રભાવ પાથરવામાં કુશળ છે. જો કે, રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં એ પણ ખૂલી શકે છે કે, તેણે આ સિવાય આ પ્રકારના અન્ય કોઈ ગુનાઓ આચર્યા હતાં કે કેમ ?! ફરિયાદી અલ્પેશ નારીયા રાજકોટમાં ઈન્દ્રલોક રેસીડેન્સી ખાતે વસવાટ કરે છે. આ નકલી IAS ફરિયાદીના ભાઈ વિજય નારીયાનાં સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો ? વગેરે બાબતો રિમાન્ડ દરમિયાન ખૂલી શકે છે.