Mysamachar.in-અમદાવાદ
સોશ્યલ મીડિયાના દુરુપયોગનો દરરોજ કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ચોકાવનારા અને ચેતવણીરૂપ હોય છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિના ફોટાનો ઉપયોગ કરી ફેસબુક પર ફેકઆઇડી બનાવી યુવતિ અને તેની માતાના નંબર વાયરલ કરી અશ્લીલ લખાણ લખવાના પ્રકરણમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જામનગર દોડી આવીને ઉઘોગનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે, અમદાવાદના સાયબર ક્રાંઇમ પોલીસ મથકમાં એક મહિલાએ તેના ફોટા તેમજ મોબાઇલ નંબર બનાવટી ફેસબુક આઇડી પર વાયરલ કરી તેને કોલગર્લ તરીકે દર્શાવવા અંગે ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદમાં ભોગબનનાર યુવતીને સતત અજાણ્યા નંબરો પરથી ફોન આવતા હોવાનુ પણ સામે આવ્યુ હતુ.
આ ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ શરુ કરાઈ હતી, જેમાં આ તપાસ જામનગર સુધી લંબાવતા જેમાં ફેક આઇડી બનાવનાર આરોપીનુ લોકેશન ઉઘોગનગર વિસ્તરમાં મળ્યુ હતુ. જેથી પોલીસે જીતેશ રાણાભાઇને કાપડીયા વાસ-2 વિસ્તારમાંથી દબોચી લીઘો હતો. પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછ કરતા તેણે ભોગગ્રસ્તના ફોટા અને નંબર યેનકેન પ્રકારે મેળવી લઇ મહિલાને હેરાન કરવા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પોતાના ફેસબુક પર તેણીના ફોટા તેમજ નંબર વાયરલ કરી બિભત્સ લખાણ લખ્યુ હવાની કેફિયત આપી હતી.આમ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી માત્ર કોઈને હેરાન કરવાનો આવો વિકૃત ઈરાદો ટીકાને પાત્ર બન્યો છે તો લોકોએ પણ પુરતી સાવધાની રાખી અને સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ.