Mysamachar.in-ગુજરાત:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની સહી સાથેની રૂ. 50ની નોટની નવી સિરીઝ ચલણમાં આવશે. જો કે તે સાથે જ હાલની 50 રૂપિયાની તમામ જૂની સિરીઝની નોટ્સ પણ ચલણમાં જ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક મહિનાઓથી લોકો રૂ. 50 તથા રૂ. 10ના મૂલ્યની ચલણી નોટ્સની અછતનો સામનો કરી રહ્યા છે. આ નિર્ણયથી લોકોને રાહત મળશે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ જાહેરાત સત્તાવાર રીતે પ્રગટ કરવામાં આવી છે. આ નવી ચલણી નોટ્સ દેશના આર્થિક પરિપ્રેક્ષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે, નવી નોટ્સ લોકોને થોડાં જ સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પર નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. નવી નોટ્સની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સિરીઝ મુજબની જ હશે. અત્યાર સુધીમાં ચલણમાં મૂકવામાં આવેલી તમામ સિરીઝની 50ની નોટ્સ આ નવી નોટ્સની સાથેસાથે ચલણમાં માન્ય રહેશે એવી પણ સ્પષ્ટતા સંજય મલ્હોત્રાએ કરી છે.
