Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્વે સરકાર વિધાનસભામાં આખરી સત્ર માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી ચૂકી છે. બીજી બાજુ વિપક્ષ વધુ એક સત્રની માંગણી કરી રહ્યો છે. કેમ કે, આવતીકાલે 21 અને 22 સપ્ટેમ્બર એમ માત્ર બે જ દિવસ ચાલનારા આ સત્રમાં પ્રથમ દિવસે વિધેયક સંબંધિત કોઈ જ કામકાજ થવાનું નથી. ગુરૂવારે એક જ દિવસમાં બધું સંકેલાઈ જશે. આવતીકાલે બુધવારે અને ગુરુવારે વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાઈ રહ્યું છે જે પૈકી પ્રથમ દિવસે માત્ર શોક પ્રસ્તાવો પારિત કરવામાં આવશે. ત્યારબાદ કાર્યવાહી સમાપ્તિની ઘોષણા કરવામાં આવશે.
સત્રના બીજા દિવસે ગુરૂવારે ‘ ગુજસીટોક’ સુધારા વિધેયક, મહાનગરપાલિકા એક્ટ સુધારા વિધેયક તથા રખડતાં પશુઓને નિયંત્રણમાં લેવા માટેનું વિધેયક (જેનો અમલ હજુ શરૂ કરવામાં આવ્યો નથી) પરત લેવાની કાર્યવાહી સરકાર પક્ષે કરવામાં આવશે. રખડતાં પશુ સંબંધી બિલ રાજ્યપાલે મંજૂર કર્યા વિના પુનર્વિચાર માટે ગૃહને પરત મોકલી આપ્યું છે. અગાઉ સરકાર તરફથી શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ આ બિલ પરત ખેંચવાના સંકેતો આપી ચૂક્યા છે, જે અત્રે ઉલ્લેખનીય છે.
દરમિયાન આજે પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ રહી હોય તેમાં પણ કેટલાંક મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતા છે. ખાસ કરીને રખડતાં ઢોર સંબંધી બિલ મુદ્દે મહત્ત્વની જાહેરાત આજે જ થવાની સંભાવના છે. માલધારી સમાજને મોટી રાહત મળી શકે છે. જો કે, એથી શહેરી વિસ્તારોમાં મતદારો પર અસરો પેદાં થઈ શકે છે.