Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારની એક યોજના છે, જેમાં ધોરણ 9 ની ગરીબ વર્ગની છાત્રાઓને ઘરથી સ્કૂલે આવવા-જવા સરકારી સાયકલ આપવામાં આવે છે. કન્યાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના દાખલ કરવામાં આવી છે. પરંતુ આ યોજના ‘સરકારી’ હોવાને કારણે તેમાં સ્વાભાવિક રીતે જ કુંડાળાઓ ચીતરવામાં આવી રહ્યા હોવાનું હવે જાહેર થઈ ગયું છે. સરકાર ‘તપાસ’ કરે છે, પરંતુ સરકારી ભાષામાં તપાસ શબ્દનો અર્થ સૌ જાણે છે. આ કૌભાંડ કરોડોનું હોવાનું બહાર આવ્યું છે અને તેમાં મુખ્યમંત્રી કાર્યાલયનું નામ ગાજતાં સનસનાટી મચી ગઈ છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો અમલ કરવાનો રહે છે પરંતુ આ વિભાગ વર્ષોથી, વિવિધ કારણોસર હંમેશા ચર્ચાઓમાં રહ્યો છે. આ સાયકલ કૌભાંડ આ વિભાગમાં થયું છે. જામનગરમાં રણજિતસાગર રોડ પર આદર્શ નિવાસી શાળા આવેલી છે. આ સરકારી શાળાના કેમ્પસમાં અંદાજે 300થી વધુ, સરકારી અને કેસરી કલરની સાયકલો ધીમે ધીમે ભંગાર બની રહી છે. આ સાયકલો કરદાતા નાગરિકોના નાણાં વડે સરકારે ખરીદી છે. કરદાતાઓની કમાણી બરબાદ થઈ રહી છે.
આ કેસરી સાયકલો 2023ના શાળા પ્રવેશોત્સવ સમયે છાત્રાઓને આપવાની હતી. જે આજે એક વર્ષ બાદ પણ છાત્રાઓને આપવામાં આવી નથી. સરકાર અથવા આ વિભાગના પેટમાં પાપ છે ? જામનગરમાં આ નવી સાયકલો ભંગાર બની રહી છે, એ અંગે સમાજ કલ્યાણ વિભાગના જામનગરના નાયબ નિયામક અશ્વિન પરમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ આ અંગે બોલવા સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ અધિકારી શું સંતાડવા ઈચ્છે છે ? આ સાયકલો ગત્ વર્ષે છાત્રાઓને શા માટે આપવામાં આવી નહીં ? આ સાયકલો અહીં શા માટે સંતાડવામાં આવી છે ? વગેરે પ્રશ્નોના ઉત્તર આ અધિકારી આપી શક્યા નથી. આ અધિકારી જામનગર ઉપરાંત જૂનાગઢની આ વિભાગની કચેરીનો હવાલો ધરાવે છે અને કચેરીએ સમયસર ન આવવા સહિતની બાબતો અંગે આ અધિકારી વિષે અનેક પ્રકારની ચર્ચાઓ કચેરી અને કચેરી બહાર થઈ રહી છે.જે તમામ મુદ્દાઓ સહિતના આ કચેરીને લગત મુદ્દાઓ આગામી સમયમાં તપાસ માગી લે તેવો વિષય છે.
પ્રજાના નાણાંથી ચાલતી સાયકલની આ સરસ્વતી સાધન યોજના ભ્રષ્ટાચારમાં લપેટાઈ ગઈ હોવાની ફરિયાદ સમગ્ર રાજ્યમાં ઉઠી છે. સરકારે જે કંપની પાસેથી આ સાયકલો ખરીદી છે, તે કંપનીએ રાજસ્થાન અને ગુજરાતમાં સાયકલો પૂરી પાડી છે. આ કંપનીને રાજસ્થાન સરકારે સાયકલદીઠ જે નાણાં ચૂકવ્યા છે તેની સરખામણીએ ગુજરાત સરકારે આ કંપનીને સાયકલદીઠ રૂ. 500 વધુ આપ્યા છે, એવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યો છે, આ પ્રકરણ ઘાટું બની ચૂક્યું છે. સરકાર વતી પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલએ કહ્યું છે કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત અગાઉ આ સાયકલ સહિતની ખરીદીઓ એક સરકારી સમિતિ હસ્તક થતી હતી, કેટલાંક સમયથી આ ખરીદીઓ સંબંધિત વિભાગ જાતે કરે છે, આ વિભાગની ખરીદીઓ સીધી જ મુખ્યમંત્રી કાર્યાલયની દેખરેખ હેઠળ થઈ રહી છે. આથી આ મામલાની અસરો છેક CM કાર્યાલયમાં પહોંચી છે. અહેવાલો કહે છે, આ સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાનો ખેલ પડી ગયો છે. કંપની અને સરકાર વચ્ચે સાયકલ બનાવટના સ્પેસિફિકેશન અને સપ્લાય શરતો અંગે વાટાઘાટો થતી હોય છે, આ બાબતે કંઈક રંધાયું હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે, આ યોજનાની લાભાર્થી છાત્રાઓને આ સાયકલો મળવામાં એક વર્ષ કરતાં વધુ સમયનો વિલંબ થયો છે, અને આટલાં લાંબા સમયથી આ સાયકલો ખુલ્લામાં રાખવામાં આવી હોય, સિઝનની અસરોને કારણે આ સાયકલો ભંગાર બની રહી છે, આ મામલો લોકોના નાણાંની બરબાદીનો મામલો છે, આ માટે કસૂરવાર કોઈ પણ સાબિત થાય, તેની પાસેથી અંગત રીતે આ નાણાં વસૂલવા જોઈએ અને છાત્રાઓને સરકારી લાભથી વંચિત રાખવા બદલ આ કસૂરવાર વિરુદ્ધ ધડારૂપ કાર્યવાહીઓ થવી જોઈએ.