Mysamachar.in:રાજકોટ
રાજકોટમાં હૈયું હચમચાવી દે તેવી એક દુઃખદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પતિના ત્રાસથી કંટાળી પહેલા બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધાની ઘટનાએ રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવી છે. આ અંગેની મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે….રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી મહિલા મનીષા પરમારે ગઈકાલે રાત્રિના પોતાના બે માસુમ બાળકો ભાર્ગવ (ઉં.વ.3) અને ઇશિતા (ઉં.વ.6 માસ) ની હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના આ ચકચારી મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવી છે,
મનીષાબેન સાગરભાઈ પરમાર પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં બાળકોની હત્યા નીપજાવ્યા બાદ પોતે એક વીડિયો બનાવી પતિ સામે આક્ષેપ કરી પોતે પણ આત્મહત્યા કરતા હોવાનો વીડિયો ફેસબુક સ્ટેટ્સ પર મુક્યો હતો. માલવીયાનગર પોલીસને જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલ વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
-મહિલાએ ફેસબુક સ્ટેટ્સ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું કે…
હું ખુદ મરી જાવ છું, આ પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. એ પોતે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર છે. હું મરી જાવ છું મારા બેય છોકરાવને પણ મારી નાખું છું. મારા માતા-પિતા કે અન્ય કોઈ નહીં મારો ઘરવાળો સાગર પરમાર જવાબદાર છે. હું છૂટું કરવા ગઈ હતી પણ માલવિયાનગર પોલીસે સમજાવીને જવા દીધા હતા. મારા બેય છોકરાવને મારી નાખ્યા છે, હવે હવે હું એસિડ પીને મરી જાવ છું.