Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા શહેરમાં છેલ્લા બે માસના સમયગાળા દરમિયાન પાન, મસાલાની દુકાનો તસ્કરોનો તરખાટ વધ્યો હતો અને છેલ્લા કેટલાક સમયગાળામાં ત્રણ દુકાનોમાં ચોરી થયાના બનાવ બે દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયા હતા. આ ગુનામાં એલ.સી.બી. પોલીસે મુખ્ય આરોપી એવા સલાયાના ભડેલાના શખ્સને દબોચી લીધો હતો. આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, તથા ચાર રસ્તા વિસ્તારમાં જુદી-જુદી ત્રણ પાનમસાલાની દુકાનોમાં ચોરી થયાના બનાવવા બાદ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
જેના અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે બુધવારે પેટ્રોલીંગ દરમ્યાન એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, તથા સહદેવસિંહ જાડેજાની ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અલ્તાફ એલિયાસભાઈ સુમણીયા નામના 35 વર્ષના ભાડેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂ. 33 હજાર રોકડા તથા પાન બીડી સિગારેટ વિગેરે માલ સામાન ઉપરાંત રૂ. સાત હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ.51,950/- નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આરોપી શખ્સના ઘરેથી પોલીસે લોખંડ કાપવાની પાતળી એક સાઈડ ધાર વાળી નાની- મોટી ચાર નંગ તણી, શટરના હુંકના કાપેલા બે કટકા વિગેરે સહિતનો ચોરી માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.આરોપી શખ્સ ચોક્કસ પ્રકારની મોડેસ ઓપરેન્ડી દ્વારા ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું વધુમાં જાહેર થયું છે.