Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણનું ખાનગીકરણ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઘી-કેળાની બાબતમાં ગાંધીનગર કક્ષાએથી કોઈ જ ઠોસ કદમ લેવામાં આવતું ન હોય, શિક્ષણ ક્ષેત્રે જાણે કે ‘લૂંટ’ પરવાના અપાયા હોય તેવી સ્થિતિઓ વચ્ચે, અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ખાનગી શાળાઓમાં ફી નક્કી કરતાં સૌરાષ્ટ્રના FRC ઝોનમાં સરકારે 6 મહિનાઓથી ચેરમેનની જગ્યા ખાલી રાખી છે- ખાનગી શાળાઓ મનમાની રીતે ફી વસૂલી રહી છે !
વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાને લાંબો સમય વીતી ગયો છે, ખાનગી શાળાઓ મનમાની રીતે ફી વસૂલી રહી છે, લાખો વાલીઓ લૂંટાઈ રહ્યા છે. FRC ચિત્રમાં નથી. કારણ કે, સરકારે FRC ચેરમેનની જગ્યા 6 મહિના જેટલાં સમયથી ખાલી રાખી છે. અચરજની વાત એ છે કે, સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ પૈકી એક પણ જિલ્લામાં એકેય વાલી કે એકેય વાલીમંડળ, વિદ્યાર્થી સંગઠનો આ અંગે વિરોધનો હરફ ઉચ્ચારવાનું ટાળે છે ! બધાંને કોઈ પ્રકારની ‘મજા’ આવી રહી હોય તેવું વાતાવરણ છે- સરકાર વરસાદી ‘ખાડા’ માં છે.
FRC ચેરમેનની ગેરમોજૂદગીને કારણે ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી મજા આવે એ રીતે ફી વસૂલી રહી છે. સંપન્ન પરિવારોને ગમે તેટલી ફી ભરવામાં કોઈ જ તકલીફ નથી. અને, હજારો વાલીઓ એવા છે જે સંતાનો પ્રત્યેના પ્રેમના કારણે અને નબળા સરકારી શિક્ષણના કારણે કે ખાનગી શિક્ષણના મોહના કારણે ખાનગી શાળાઓના સંચાલકોના હાથે લૂંટાઈ રહ્યા છે. FRC ચેરમેનની ખાલી જગ્યા મામલે સરકારને પૂછી શકે એવો એક પણ અવાજ સૌરાષ્ટ્રમાં કયાંય નથી ! ઈતિહાસ એમ કહે છે કે, સૌરાષ્ટ્ર ધીંગી ધરા છે…શૂરવીરોની ભૂમિ છે.