Mysamachar.in-કચ્છ:
કચ્છની દરિયાઇ સીમા ગેરકાયદેસર વેપારનો અડ્ડો બની રહી હોય તેમ એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કેફી દ્રવ્યો બાદ હવે મુંદ્રા પોર્ટ પરથી ફરી એકવાર લાલ ચંદનની દાણચોરીની ઘટના સામે આવી હતી. DRI દ્વારા 14 ટન અંદાજીત લાલ ચંદન જેની કિંમત અંદાજિત 7 કરોડની છે, જે જપ્ત કરવામાં આવ્યું છે.ગઈ કાલે લાલ ચંદનના14 ટન જેટલા મોટા જથ્થાને વુડનીજ આઈટમ ડિકલેર કરીને દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. DRIએ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંદ્રા પોર્ટ પર MICT ટર્મિનલમાંથી ડીઆરઆઈએ રક્તચંદનનો જથ્થો એક્સપોર્ટ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યું હતું.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગુરુવારના સાંજના સમયે દુબઈ એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં વુડનીજ આઈટમ હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી રક્ત ચંદન હોવાનું બહાર આવ્યું હતું.
ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં ઝડપાયેલ રક્ત ચંદન કે જેનું વજન કરતા તે 14 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 7 થી 14 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં આ લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. પણ ચીનમાં આ રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડુ ચીન મોકલવામાં આવે છે.