Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રસપ્રદ મામલો આવ્યો છે. મોટી રકમની ચોરી અને ત્યારબાદ એ રકમ પૈકી અમુક રકમની પોલીસે રિકવરી કરી લીધાં બાદ, હાલ આ રકમ ફરિયાદીને પરત આપવામાં આવી નથી પરંતુ આ રકમ હાલ ઈન્કમટેક્સ વિભાગના કબજામાં રહેશે. ફરિયાદીએ આ રકમ અંગે હિસાબ તથા ખુલાસો આપવો પડશે.
આ રસપ્રદ કેસની વિગત એવી છે કે, 2022માં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રીતેશ પટેલ નામની એક વ્યક્તિએ ચોરીની ફરિયાદ દાખલ કરાવી. જેમાં કહેવાયું હતું કે, તેના ઘરમાંથી રૂ. 90,000ની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી થઈ. ફરિયાદના એક મહિના બાદ, ફરિયાદીએ પોલીસને એમ કહ્યું કે, આ ચોરીમાં તેનો પાસપોર્ટ અને રૂ. 1.40 કરોડ રોકડા પણ ચોરાઈ ગયા હતાં.
બાદમાં પોલીસે તપાસ શરૂ કરી અને ચોરાયેલી રકમ મોટી હોવાથી તપાસ દરમ્યાન જ ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી. અને તે દરમ્યાન પોલીસે ચોરીની રકમ પૈકી રૂ. 35.28 લાખ આરોપી પાસેથી મુદ્દામાલ તરીકે કબજે લીધાં. આ મુદ્દામાલ પુરાવા તરીકે સ્થાનિક અદાલતમાં જમા કરાવી દીધો.

ત્યારબાદ, ફરિયાદીએ આરોપી સાથે સમાધાન કરી, હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ્દ કરાવવા અરજી કરી. ફરિયાદ રદ્દ પણ થઈ ગઈ. તે દરમિયાન, ઈન્કમટેક્સ વિભાગે આ ફરિયાદીને રૂ. 35.28 લાખ તેની કઈ આવકનો ભાગ છે, એ જાણવા પૂછપરછ કરી. ફરિયાદી આવક અંગે પુરાવાઓ આપી શક્યો નહીં.
આથી ટેકસચોરીની તપાસ કરવા અને રૂ. 35.28 લાખ કસ્ટડીમાં લેવા ઈન્કમટેક્સ વિભાગે ઈન્કમટેક્સ એક્ટ મુજબ કાર્યવાહીઓ શરૂ કરી. દરમ્યાન, સ્થાનિક અદાલતે ઈન્કમટેક્સ વિભાગને તપાસ કરવાની મંજૂરી આપી પણ એવો હુકમ કર્યો કે, આ રકમ ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા રાખવામાં આવે. આ હુકમથી નારાજ ઈન્કમટેક્સ વિભાગે હાઈકોર્ટમાં અરજી કરી. વિભાગે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી કે જે રકમ ટેકસચોરી સંબંધે વિવાદીત હોય તે રકમ જેતે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં FD તરીકે રાખી શકાય નહીં, એવી ઈન્કમટેક્સ એક્ટમાં જોગવાઈ છે.
આ રજૂઆત બાદ હાઈકોર્ટના જસ્ટિસ ડી.એ.જોષીએ પોલીસને હુકમ કર્યો કે, આ રૂ. 35.28 લાખની વિવાદીત રકમની કસ્ટડી ઈન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવે. આ સાથે હુકમમાં એમ પણ કહેવાયું કે જો પોલીસે અગાઉ આ બધી ચલણી નોટનું નંબરો સાથેનું પંચનામું ન કર્યું હોય, અને જો એ કરવું જરૂરી હોય તો, એ પ્રકારનું પંચનામું પોલીસ કરે અને તે પછી જ આ રકમ ઈન્કમટેક્સ વિભાગને સોંપે.(symbolic image)
