Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે બપોરે યોજાઈ હતી જેમાં જાહેરાત થઈ છે કે, જામનગર મહાનગરપાલિકાએ બજેટમાં ઉલ્લેખ કરેલાં કેટલાંક કામો પૈકીના 6 કામો માટે સરકારમાંથી સ્પેશિયલ આસિસ્ટન્સ ગ્રાંટ અંતર્ગત સરકારમાંથી કુલ રૂ.121 કરોડ મેળવવા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, આ દરખાસ્ત રાજ્યના મ્યુ. ફાઇનાન્સ બોર્ડમાં મોકલવામાં આવશે, આ દરખાસ્ત મંજૂર થયે શહેરમાં સાત રસ્તા અને સુભાષ બ્રિજ વચ્ચે બની રહેલાં ફ્લાય ઓવર માટે મંજુર થયેલ 193 કરોડની રકમ પૈકીની બાકીની રકમ રૂ. 48 કરોડ પ્રાપ્ત થશે. આ ઉપરાંત બજેટમાં સમાવેશ કરેલાં અન્ય કામો પૈકી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવો ટાઉનહોલ, રિવરફ્રન્ટ માટે કન્સલ્ટન્સી, નંદનવન સોસાયટી નજીક બ્યુટીફિકેશન અને પાયલોટ બંગલાથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ તરીકે વિકસાવવાના કામોનો આમાં સમાવેશ થાય છે.

આ ઉપરાંત જામનગરમાં હાલ ટાઉનહોલ નજીક ફૂવારાની જગ્યાએ એક ખાનગી કંપની દ્વારા રિનોવેશન વગેરે કામગીરીઓ CSR ફંડમાંથી કરવામાં આવશે, એ રીતે શહેરના અન્ય તમામ સર્કલ પણ ડેવલપ કરવામાં આવશે એમ ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું છે. આ બેઠકમાં કુલ રૂ. 130.65 કરોડના કામો તથા ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી છે.
આ તમામ કામો ઉપરાંત બહુ વર્ષો પૂર્વે ગાજેલ ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટના લીગેસી વેસ્ટ પ્રોસેસિંગના કામ માટે નવી પાર્ટીની પસંદગી મનપા દ્વારા કરવામાં આવી છે જે દેશના મેટ્રો સિટીમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે તે કંપનીને જામનગરના કામ માટે પણ 637 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી છે.

આજની આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા અને સીટી ઈજનેર ભાવેશ જાની ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
