Mysamachar.in-રાજકોટ:
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ગધેથડ એક તીર્થધામ બની ગયું છે. અહીંનો ગાયત્રી આશ્રમ શ્રી લાલબાપુના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે. રવિવારે, 15 ડિસેમ્બરે અહીં ગુરૂપૂજનનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સમારોહમાં આશરે 45 મિનિટ જેટલો સમય રોકાયા. આ સમારોહમાં 10,000થી વધુ શિષ્યોએ ગુરૂપૂજનમાં ભાગ લીધો.
આમ તો ગુરૂપૂર્ણિમા ઉત્સવ અષાઢ મહિનામાં હોય છે પરંતુ એ સમયે વરસાદ હોય તેથી આયોજનમાં અને મહેમાનોને તકલીફોનો સામનો કરવો પડે તેથી માગશર સૂદ પૂનમ ને 15મી ડિસેમ્બરે ગુરૂપૂજનનો આ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં ક્ષત્રિય અગ્રણીઓ અને પૂર્વ રાજવી પરિવારોના મોભીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ ગુરૂપૂજન સમારોહમાં એકસાથે 550 મોટા પાટલા ગોઠવવામાં આવેલાં. જ્યાં એકસાથે 1,100 શિષ્યો પૂજનમાં ભાગ લઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ આશરે 10,000 શિષ્યોએ ગુરૂપૂજનમાં ભાગ લીધો. મુખ્યમંત્રીએ અહીં ભાવપૂર્ણ અને સૂચક પ્રવચન પણ કર્યું.
આ સમારોહ દરમિયાન આસપાસના 115 ગામોના લોકોનો જમણવાર યોજવામાં આવ્યો હતો. અબોલ પશુપક્ષીઓ માટે પણ ઘાસચારો અને ચણ વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ સમારોહમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટમંત્રી રાઘવજી પટેલ, પ્રદીપસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેર વગેરે સંખ્યાબંધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આપણી સંસ્કૃતિ મુજબ જેટલા આપણે ગુરુના ચરણોમાં રહીએ તેટલા આપણે આગળ વધીએ આ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. અહીં આવીને સેવા કોને કહેવાય તે સમજાય છે. કોઈ કાર્યક્રમ કરવા માટે પહેલાથી ગોઠવણ કરવામાં આવે છે. જોકે અહીં લાલબાપુ પાસે આવીએ ત્યારે ખબર પડે કે કોઈ જ આયોજનની જરુર નથી ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત હોવા જોઈએ. અહીં કોઈ ચીઠ્ઠી, ચબરખી કે પૈસા માંગવાના એવું કંઈજ અહીં જોવા નથી મળતું. છતા ગાયત્રી આશ્રમના ગુરુપૂજનના કાર્યક્રમમાં લાખો ભક્તો આરામથી જમે છે અને દર્શનનો લાભ લે છે. સરકારને આટલું કરવું હોય તો ઘણી વ્યવસ્થા ઉભી કરવી પડે છે જોકે અહીં તો વગર પૈસે બધુ જ થઈ જાય છે. એકવાર તો અહીં ગધેથડમાં તમામ લોકોએ આવવું જોઈએ અહીં આવવાથી ઘણી તકલીફો તો આપણા જીવનમાંથી એમનમ જ દૂર થઈ જાય છે.