Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સોમવારે રાત્રિના સમયે નિંદ્રાધીન એક વૃદ્ધાના ગળા તથા મોઢાના ભાગે બે અજાણ્યા શખ્સોએ બળ પ્રયોગ કરી અને તેણીએ કાનમાં પહેરેલા સોનાના બે વેઢલાની લૂંટ કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 30 કી.મી. દૂર ખીરસરા ગામે રહેતા ધાનીબેન હાજાભાઈ સામતભાઈ બેલા નામના 70 વર્ષના મહિના સોમવારે રાત્રે જમીને પોતાના ઘરે સુતા હતા. ત્યારે મધ્ય રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ બંને શખ્સોએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ધાનીબેનને ઊંઘમાં જ ગળું દબાવી અને મોઢા પર હાથથી મૂંગો દીધો હતો. આ પછી તેણીએ પોતાના ગળા અને મોઢાના ભાગે મૂંગો હટાવવા માટેનો પ્રયાસ કરતા આરોપીઓએ તેણીના મોઢા તેમજ આંખોના ભાગે કોઈ કેમિકલ સાથેનો સ્પ્રે છાંટતા તેણીને અસહ્ય બળતરા થઈ હતી અને આંખો બંધ થઈ ગઈ હતી.
આ પછી આરોપીઓએ ધાનીબેનના ગળાના ભાગે ઉઝરડા તેમજ કાનની બુટમાં ઇજાઓ કરી, અને તેણીએ કાનમાં પહેરેલા સોનાના બે વેઢલાની લૂંટ ચલાવીને અંધારામાં ઓગળી ગયા હતા. આમ, રાત્રિના સમયે બે અજાણ્યા લૂંટારુઓએ રૂપિયા 45,000 ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ ચલાવવા બદલ કલ્યાણપુર પોલીસે ધાનીબેન બેલાની ફરિયાદ પરથી જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવ બનતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લૂંટારો અને શોધવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પ્રકરણની તપાસ પી.આઈ. કે.બી. રાજવી ચલાવી રહ્યા છે. રાત્રિના સમયે થયેલી લૂંટના આ સમગ્ર બનાવે નાના એવા ખીરસરા ગામમાં ભારે ભયનો માહોલ પ્રસરાવી દીધો હતો.