Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક 21 વર્ષીય યુવતી પર સામે આવેલ સામુહિક દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે, સીટી એ ડીવીઝન પોલીસ મથક હેઠળ આવતા પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટ સહીત અલગ અલગ સ્થળોએ આ યુવતી પર ત્રણ ઇસમોએ અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા એ ડીવીઝન પોલીસે યુવતીની ફરિયાદ લઇ અને ત્રણેય ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની આધારભૂત પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે જામનગર શહેરમાં વસવાટ કરતા એક 21 વર્ષીય યુવતી એક વખત બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે મુખ્ય આરોપી એવા એક ઇસમે તેણીના ફોટો અને વિડીયો લઇ બાદમાં યુવતીને સ્નાન કરતા વિડીયો અને ફોટોને આધારે બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી હતી, જે બાદ મુખ્ય આરોપી જેણે યુવતીના ફોટો અને વિડીયો લીધા હતા તે તેમજ તેના અન્ય બે મિત્રોએ મળી છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયગાળાથી ફાર્મહાઉસ સહિતના સ્થળોએ દુષ્કર્મ આચરતા હોવાની યુવતીએ ફરિયાદ આપ્યા બાદ પોલીસે વિધિવત ફરિયાદ લઇ અને આરોપીઓને અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.જો કે સમગ્ર ઘટના મામલે સતાવાર તમામ માહિતીઓ આજે અથવા આવતીકાલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પત્રકાર પરિષદ કરી જાહેર કરવામાં આવશે.