Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર મુકામે સૌરાષ્ટ્રના લાખો કડવા પાટીદારોના આસ્થાકેન્દ્ર શ્રી ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યને 125 વર્ષ પૂર્ણ થતાં પાંચ દિવસના શ્રી સવા શતાબ્દી મહોત્સવનો કાલે બુધવારે રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. વડાપ્રધાને આ સમારોહને વીડિયો સંદેશ પાઠવ્યો છે અને આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે.
આવતીકાલે શુક્રવારે સવા લાખ બહેનો હથેળીમાં ‘મા’ ના નામની મહેંદી મૂકશે. શ્રધ્ધા અને ભક્તિ સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં પ્રથમ દિવસથી જ હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. હવે પછીના ચાર દિવસ દરમિયાન લાખો કડવા પટેલ પરિવારો અહીં પહોંચશે. આ પાંચ દિવસ દરમિયાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલી વેણું નદીના કાંઠે મા ઉમિયાની સહસ્ત્રદિપ આરતી યોજવામાં આવે છે. આ ભવ્યાતિભવ્ય આરતી ખાસ બનાવવામાં આવેલા વેણુઘાટ ખાતે યોજાય છે.
આરતી સમયે મા ઉમિયાના પ્રાગટ્યની યશોગાથા લેસર શો વડે યોજવામાં આવે છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ વાંસજાળિયા અને ચેરમેન મૌલેશ ઉકાણીએ જાહેર કર્યું છે કે, આ સમારોહની સાથેસાથે સૌરાષ્ટ્રના અઢી લાખ કડવા પાટીદાર પરિવારો માટે સામાજિક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવામાં આવશે. મા ઉમિયાની ભક્તિ થકી સરસ્વતી સાધનાના સંકલ્પ સાથે 10 સંમેલનોમાં વિવિધ ક્ષેત્રોના પાટીદાર આગેવાનો સમાજને નવો રાહ ચીંધવા પ્રેરિત કરશે.
વડાપ્રધાને વીડિયો સંદેશમાં જણાવ્યું કે, ઉમિયાધામ સિદસર સામાજિક સમરસતામાં નિમિત બને. પરંપરાને જાળવી રાખવા તથા નવા પડકારોને ઝીલવા આ મહોત્સવ નિમિત બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમારોહમાં વ્યસન મુક્તિ, શિક્ષણ, યુવા શક્તિ અને કૃષિ સહિતના ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અહીં પંચકુંડી મહાયજ્ઞ અને ભવ્ય આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મહોત્સવ સમિતિના પ્રમુખ ચીમન શાપરિયા(પૂર્વ મંત્રી) ઉપરાંત રાજ્યના તેમજ બહારના રાજ્યોના સેંકડો પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહમાં ઠેકઠેકાણે મિનરલ વોટર અને ગરમ ચા ની વ્યવસ્થાઓ સાથે 6,000 સ્વયંસેવકોની ફૌજ, પાર્કિંગ, ટ્રાફિક નિયમન, સલામતી, બેઠક વ્યવસ્થાઓ, પ્રસાદ વિતરણ, બુટ ચંપલ માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આગામી શનિવારે આ સમારોહમાં ઔદ્યોગિક સંમેલન પણ છે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આવવાની સંભાવનાઓ છે.