Mysamachar.in-સુરત
કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી શાળાઓ અને કોલેજો બંધ છે, અને શાળા કોલેજો દ્વારા ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેના કારણે કેટલાય પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ઘરમાં એકથી વધુ બાળક હોય અને અલગ-અલગ ધોરણમાં અભ્યાસ કરતા હોય તો અલગ અલગ મોબાઈલ ઈન્ટરનેટ સહિતના પ્રશ્નો કેટલાય પરિવારોને અકળાવી રહ્યા છે, એવામાં સુરતથી એક દુખદ ઘટના સામે આવી રહી છે, જ્યાં એક પિતા પોતાની ધોરણ 10માં ભણતી દીકરીના ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન કરી શકતા માનસિક તાણ અનુભવતા હતા. ત્યારે પિતાએ આ માનસિક તાણને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
સુરતના ડુમસ રોડ પર આવેલા ગવિયર ગામ ભાઠીયા ફાર્મ નજીક વસવાટ કરતા બાપીભાઈ નાયક તેજ ફાર્મ હાઉસમાં માળી અને વોચમેન તરીકે કામ કરતા હતા. ચાર બાળકો સહિત 6 સભ્યોના પરિવારના જીવન નિર્વાહમાં ઓછા પગારના કારણે તકલીફ પડતી હતી. તેમાં તેમની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી તેને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે મોબાઈલ ફોન તેમજ ઈન્ટરનેટની પણ જરૂરીયાત ઊભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેમાં પણ પુત્રીના અભ્યાસ માટે મોબાઇલ ફોન ક્યાંથી લાવવો આ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પિતા સતત માનસિક તાણમાં રહેતા હતા. ગતરોજ બાપી ભાઈ આવેશમાં આવી જઈને તાપી નદી કિનારે આવેલા એક ઝુપડામાં જઈ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધાનું ઘટના સામે આવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.