Mysamachar.in-જામનગર:
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કોઈ એક ટોળકીએ રૂ. 6 લાખથી વધુ રકમનો ‘ખેલ’ પાડી દીધો હોવાનું મૂળ ભાણવડના અને રાજકોટ રહેતાં એક ખેડૂતની ફરિયાદના આધારે બહાર આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં જામનગરની ચાલીસેક વર્ષની એક મહિલાની ભૂમિકા રહસ્યમય હોવાનું ફરિયાદ પરથી દેખાઈ રહ્યું છે. અને, ફરિયાદીને પોલીસ છીએ એમ કહી દમદાટી પણ આપવામાં આવેલી. આ ખેડૂતને બહુ વ્યવસ્થિત રીતે ‘લૂંટી’ લેવામાં આવ્યા, એમ ફરિયાદ કહે છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈદેવળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં અને ખેતીકામ કરતાં વસંતભાઈ ગોરધનભાઈ પટેલએ જામનગરની એક મહિલા અને જામનગર- પાલિતાણાના કેટલાંક શખ્સો વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. અને એમ જાહેર કર્યું છે કે, તેની પાસેથી આરોપીઓએ બળજબરીથી રૂ. 6,31,500 લઈ લીધાં છે.
62 વર્ષીય આ ફરિયાદીના કહેવા અનુસાર, આ મામલો ગત્ 23 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન બન્યો હતો. ફરિયાદી વસંતભાઈની એક જમીનની માલિકીના કાગળો અને નકશા સંબંધે વસંતભાઈ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક મહિલાને ઘરે ગયા હતાં. આરોપીઓએ વસંતભાઈને ત્યાં બોલાવ્યા હતાં. વસંતભાઈ કહે છે, હું આ મહિલાને ઓળખતો નથી અને મને તેનું નામ ખબર નથી.

આરોપીઓએ ફરિયાદીને આ મહિલાને ઘરે બોલાવી લીધાં બાદ, આરોપીઓએ વસંતભાઈને કહ્યું કે, તમે આ મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે દબડાવી ધમકાવી આરોપીઓએ વસંતભાઈ પાસેથી રૂ. 5,96,500 કઢાવી લીધાં. બાદમાં એમ કહ્યું કે, આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી છે અને તેમાં તેણીએ તમારૂં નામ આપ્યું છે. અને, એ રીતે વધુ રૂ. 1,25,000ની માંગણી કરી. અને બાદમાં વસંતભાઈના વાહનમાંથી આરોપીઓએ વધુ રૂ. 35,000 લઈ લીધાં.
વસંતભાઈ કહે છે: આરોપીઓએ તેમને ફોનમાં ગાળો પણ આપી છે. જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. આ મામલા અંગે આજે Mysamachar.in દ્વારા ફરિયાદી વસંતભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવેલો. જેમાં તેમણે કહ્યું કે, ખોડિયાર કોલોનીવાળી આ મહિલા આરોપીને હું ઓળખતો નથી. અને મેં આરોપીઓને જામનગરની ગ્રેન માર્કેટમાં આવેલી 2 આંગડીયા પેઢી મારફતે નાણાં આપ્યા છે. અને આરોપીઓ પૈકી કેટલાંક શખ્સોએ પોતે પોલીસ છે એમ કહીને પણ મને દમદાટી આપી હતી.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે હીતેન ચૌહાણ, પાલિતાણા- કાળુ બારૈયા, તળાજા- હરેશ ખેરાલા, પાલિતાણા- જામનગરની 40-45 વર્ષની એક અજાણી મહિલા- પોલીસ તરીકેની ઓળખ આપનાર બે શખ્સ- મહિલાના ઘરનું ફોનમાં લોકેશન નાંખનાર શખ્સ- આંગડિયા પેઢીએ નાણાં લેવા જનાર એક મોટરસાયકલ ચાલકનો ઉલ્લેખ છે અને તપાસમાં ખૂલે તે અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
