Mysamachar.in-જામનગર:
વિશ્વાસઘાતની ખૂબી એ છે કે, તેમાં હંમેશા સાબિત થતું હોય છે કે તમે ખોટાં માણસ પર ભરોસો મૂકી દીધો. આ પ્રકારના અનેક કુંડાળાઓ વર્ષોથી જાહેર થતાં રહે છે છતાં ભોળા માણસો અન્ય જાણીતા કે અજાણ્યા માણસો પર ‘ભરોસો’ મૂકી છેતરાતા રહે છે અને પછી લૂંટાઈ ગયાની બૂમો પાડતાં રહે છે. આવો વધુ એક બનાવ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બન્યો છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આ FIR દાખલ થઈ છે. રાજકોટના રીબડા ગામના વતની અને રાજકોટ રહેતાં વાલજીભાઈ નાગજીભાઈ ખૂંટ નામના એક ખેડૂત કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે ખેતીની જમીન ધરાવે છે. તેમના ભાઈ પણ અહીં ખેતીની જમીન ધરાવે છે. આ બંને ભાઈઓને બે ગઠીયા ભટકાઈ ગયા. આ ગઠીયાઓ રૂ. 1.35 કરોડનો ધનલાભ કરી પોબારા ભણી ગયા.
વાલજીભાઈએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, નાના વડાળામાં આવેલી એમની ખેતીની જમીન (સર્વે નંબર 1234) અને એમના ભાઈની ખેતીની જમીન (સર્વે નંબર 1233)ના વેચાણના સાટાખત પેટે ખેડૂતને આપવાની થતી રકમ પૈકી રૂ. 65 લાખની રકમ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પડાવી લીધી.
આ ઉપરાંત આરોપીઓએ આ જમીન ખરીદનાર પાર્ટી પાસેથી ફરિયાદીને આપવાની થતી અન્ય રૂ. 70 લાખની રકમ ફરિયાદીને ન આપી, ઓળવી જઈ વધુ રૂ. 70 લાખની છેતરપિંડી કરી. આમ કુલ છેતરપિંડીઓ રૂ. 1.35 કરોડની થઈ હોવાનું આ ફરિયાદમાં લખાવાયું છે.
આ ફરિયાદમાં જેમના પર આરોપ છે તે રાજકોટના જેતપુર ખાતે મયૂર પાર્લર ધરાવતા ગોપાલ પૂનાભાઈ કોટડીયા અને રાજકોટના મોહન ભરવાડના નામો છે. આ મામલાની તપાસ દરમ્યાન અન્ય આરોપીઓના નામ બહાર આવવાની પણ શકયતાઓ છે. પોલીસે વિશ્વાસઘાતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી આરોપીઓની તપાસ હાથ ધરી છે.