Mysamachar.in:ગાંધીનગર:
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેવડું મોટું નાટક છે એ અંગે લોકો તો જાતજાતની વાતો કરે છે, હવે તો સરકારના આંકડા પણ સાબિત કરે છે કે, આ બોર્ડ ખુદ એક પ્રદૂષણ છે.જેની કાર્યશૈલી ક્યારેય શંકાઓથી પર હોતી નથી! સરકાર આ બોર્ડની કામગીરીઓની સમીક્ષા નહીં કરતી હોય.? એવો પ્રશ્ન પણ પૂછી શકાય ! હાઈકોર્ટ કે ગ્રીન ટ્રિબ્યુનલ જેવી કોઈ જાગતી સંસ્થાઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામ કરવાની પદ્ધતિ કે બેદરકારીઓ કે પછી નિષ્ક્રિયતા અંગે ટકોર કરે કે પછી દંડિત કરે, ત્યારે જ કામ કરતું હોવાનો દેખાડો કરતું આ બોર્ડ સરકારમાં એક દૂષણ તરીકે ચાલી રહ્યું છે !!
પારાવાર ભ્રષ્ટાચાર અને નિયમો સમજાવીને કેટલાંક ઉદ્યોગકારોને પરેશાન કરતું આ બોર્ડ મોટાં ઉદ્યોગો દ્વારા થતાં નિયમભંગો અંગે આંખ આડા કાન કરતું હોય છે. હજારો નોટિસ મોકલાવી પોતે કામ કરે છે એવું રેકર્ડ ઉભું કરનારું આ બોર્ડ બાદમાં આવી હજારો નોટિસો રફેદફે એટલે કે સરકારી ભાષામાં દફતરે કરે છે.! ખાધું, પીધું અને રાજ કર્યું- એવો જાણે કે ઘાટ છે.! અને, આ આક્ષેપ નથી, સરકારના ખુદના આંકડા છે, જે વિધાનસભામાં જાહેર પણ થયા છે.
પર્યાવરણ જતન અને પ્રદૂષણ નિયંત્રણ- માત્ર નાટક હોવાની બાબતને ત્રણ વર્ષના આ આંકડા સમર્થન આપે છે. આ સમયગાળામાં GPCBએ પર્યાવરણીય જોગવાઈઓના ભંગ બદલ કુલ 1,553 ઔદ્યોગિક એકમોને શો-કોઝ એટલે કે કારણદર્શક નોટિસ ફટકારી હતી, જે પૈકી 1,391 નોટિસ દફતરે કરી દીધી! એટલે કે, કામ પતી ગયું એ અર્થમાં આ નોટિસ ફાઈલોમાં જતી રહી.
પ્રદૂષણ નિયંત્રણ માટેની લડાઈ લડવા સરકારે આ બોર્ડ રાખ્યું છે. જેના પર રાજયના વન અને પર્યાવરણ વિભાગ તથા ઉદ્યોગ વિભાગે ‘નજર’ રાખવાની હોય છે અને સરકારે એટલે કે મુખ્યપ્રધાન વતી રાજયના મુખ્ય સચિવે આ બોર્ડની કામગીરીઓ અને કાર્યવાહીઓની સમીક્ષા કરવાની હોય છે. આ બોર્ડને હાઈકોર્ટ કે ગ્રીન ટ્રિબ્યુનલ સિવાય અન્ય કોઈ ઠપકો આપતું હોય તેવું દેખાતું નથી. બોર્ડની મનમાની શા માટે ચલાવી લેવામાં આવે છે ?!
આ બોર્ડ નાના ઉદ્યોગકારોને પરેશાન કરે છે અને મોટાં એકમો પ્રત્યે કૂણી નજર રાખે છે, એવી પણ એક વાત છે. ઘણાં ઔદ્યોગિક એકમો તો એવા પણ હોય છે જેઓ વારંવાર કાયદાઓ તથા જોગવાઇઓનો ઉલાળિયો કરતાં હોય છે, તેઓ પણ દંડ અથવા સિલિંગમાંથી બચી જાય છે ! જે બોર્ડની કામ કરવાની શૈલીની ચાડી ખાય છે.
EC એટલે કે, એન્વાયરમેન્ટ કલીયરન્સ પ્રમાણપત્ર વિના ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ જ ન કરી શકાય એવો નિયમ હોવા છતાં, સંખ્યાબંધ એકમો EC વિના જ ધમધમતાં હોય છે ! રાજયમાં આ પ્રકારના માત્ર 172 એકમો જ આ બોર્ડ શોધી શક્યું ! અને તે પૈકી કાર્યવાહી તો એક જ એકમ વિરુદ્ધ કરી. જે શું દર્શાવે છે ?!
રાજયની ઘણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓમાં ઈજનેરો પણ આઉટસોર્સિંગથી નીમવામાં આવે છે ! તેઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે એવી ફરિયાદો છેક મુખ્યમંત્રી સુધી પહોંચે છે ! તો પણ, સૌ સલામત !! તેનો અર્થ એ પણ થઈ શકે કે, લોકોને પર્યાવરણ મામલે રામભરોસે છોડી દેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જેવા શહેરમાં સાબરમતી નદીમાં ઠલવાતી મહાગંદકી અંગે ખુદ હાઈકોર્ટ અવારનવાર સરકાર પર ફીટકાર વરસાવે છે !! તેના પરથી સમગ્ર રાજયની સ્થિતિ કેટલી ગંભીર હશે ? તે સમજી શકાય.