Mysamachar.in-સુરત
સુરતના વરાછા મીનીબજાર ખાતે આવેલી ડાયમંડ કંપનીની ઓફિસમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ હીરા વેપારીએ બે યુવતીમાંથી એક જામનગરની યુવતી પર બળાત્કાર ગુજારતા યુવતીએ હીરા વેપારી વસંત પટેલ અને તેની આ કરતૂતમાં મદદગાર રહેલા ડ્રાઇવર સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જો કે હાલ વેપારી અને તેનો ડ્રાઇવર ફરાર છે. મૂળ જામનગર ખાતે રહેતી 22 વર્ષીય યુવતી થોડાં દિવસ પહેલાં સરથાણા-કામરેજ રોડ પર આવેલા વેલંજા ખાતે એક બહેનપણીના ઘરે રહેવા આવી હતી. આ બહેનપણીએ 7 નવેમ્બરના રોજ ફરવા જવાનું નક્કી કર્યુ હતું.પણ તે પહેલા તેને એક જગ્યા પર નોકરી માટે મળવા જવાની વાત કરી હતી. જોકે, પોતાની બહેનપણી સાથે આ યુવતી નીકળી હતી. ત્યારે બહેનપણીએ નોકરી માટે મળવા જવાનું હતું તેવા હીરા વેપારી વસંતને ફોન કરતા, આ વેપારીએ આ બંને યુવતીને લેવા માટે હીરા વેપારી વસંતે તેના ડ્રાયવર સાથે તેમની મર્સિડિઝ કાર મોકલી હતી.
જે બાદ બન્ને યુવતી તેમાં સવાર થઈને વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી વસંતની ઓફિસે આવ્યા હતા. વસંત પટેલે બંને યુવતીઓને વાતોમાં ભોળવી હતી. દાનત બગડતા વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રીંક્સ મંગાવ્યું હતુ. જેમાં કોઈ નશીલો પદાર્થ ઉમેરી બંને યુવતીને પીવડાવી દેવાયું હતુ. કેફી પીણું પીતા જ બંને યુવતી અર્ધબેહોશ જેવી થઇ ગઇ હતી.
ત્યાર બાદ જામનગરથી આવેલી યુવતી ભાન આવ્યું ત્યારે તે સોફા પર સુતેલી હતી. અને હીરા વેપારી વસંત અને સુરત ખાતે જેના ઘરે આવેલી તે બહેનપણી ઝગડો કરતા હતા. ત્યાર બાદ વસંતે સુરત ખાતે રહેતી યુવતીને શાંત કરીને પોતાની કારમાં મોટા વરાછા સુધી મુકી આવ્યો હતો. જામનગરથી આવેલી યુવતીને શંકા હતી કે, તેની સાથે બળાત્કાર થયો હતો. તેના કપડા પર ડાઘ પણ હતા. વસંત પટેલે જામનગરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. કુકર્મનો ભોગ બનેલી જામનગરની યુવતી હેબતાઇ ગઇ હતી. જે-તે સમયે તેણી વતન જામનગર પરિવાર પાસે ચાલી ગઇ હતી. પોલીસે પીડિતા યુવતીની ફરિયાદ લઇ હીરા વેપારી વસંત પટેલ અને તેની આ કરતૂતમાં મદદગાર રહેલા ડ્રાઇવર જયેશ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.