Mysamachar.in-જામનગર:
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગત રાત્રિના બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી,જેમાં સામ-સામે બે જૂથ દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે જુથ અથડામણ થઈ હતી,તેમાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં બંને જૂથોએ સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે,જેમાં દર્શાવાયું છે કે,એક મહિના પૂર્વે કોળી સમાજમાં લગ્ન પ્રસંગ હોય અને તેનો વરઘોડો નીકળ્યો હોય ત્યારે દલિત સમાજના લતાના મેઇન રોડ પરથી આ વરઘોડો નિકળ્યો ત્યારે દલિત સમાજના છોકરાઓએ વચ્ચે મોટરસાઇકલ રાખેલ જે બાબતે બંને સમાજ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલ હોય,
જે બાબતે ગત રાત્રિના બંને જૂથો સામ-સામે આવી જતાં એક બીજા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો,જેમાં કેટલાક લોકોને ઇજાઑ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,બનાવની ગંભીરતાને જોતા ખુદ એસ.પી સહિતનો કાફલો પણ મોડી રાત્રિના હનુમાન ટેકરી ખાતે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે પોલીસ દ્વારા રાતથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.