Mysamachar.in-જામનગર:
જામનગરના એક અગ્રણીની પ્રતિષ્ઠિત પેઢી શ્રીજી શિપીંગ કંપનીએ રૂા. સાડા આઠ કરોડની લ્હેણી રકમ વસુલવા કચ્છની એક કંપની સામે એન.સી.એલ.ટી.માં કેસ કર્યો છે. કચ્છની કંપનીના એક ડાયરેકટર કચ્છ ભાજપના મહિલા અગ્રણીના પુત્ર છે. આ મામલાએ જામનગર, કચ્છ, ભાજપા અને શિપિંગ ઉદ્યોગમાં ચકચાર મચાવી છે.

આ કેસની હકીકત એવી છે કે, જામનગરની શ્રીજી શિપીંગ કંપની દ્વારા ગાંધીધામના આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લી.) તરીકે ઓળખાતી કંપની સામે રૂા. 8,51,25,877 નો લેણી રકમ વસુલવા અંગે એન.સી.એલ.ટી.માં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ આર.સી.સી.લીમીટેડ ના ડાયરેકટરો તરીકે કચ્છ ભાજપના મહિલા અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર મિલન ભાવેશભાઈ આચાર્ય તેમજ નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા, દિલીપ નાનુભાઈ શાહ, સંદિષ મોતીલાલ શાહ, અને પારસ ચૌધરી છે.
જામનગરની કંપની દ્વારા આર.સી.સી. લીમીટેડ કંપનીને બાર્જ-ટગ અને ક્રેઈનની સર્વિસ પુરી પાડવામાં આવી હતી, જે સર્વિસ અંગેનાં બીલની લેણી રકમ આર.સી.સી. લીમીટેડ દ્વારા શ્રીજી શીપીંગ કંપનીને ચુકવવામાં આવી નથી. તેમજ શ્રીજી શીપીંગ કંપનીએ આપેલ સર્વિસ અંગેનાં બીલોનો આર.સી.સી. લીમીટેડ કંપની દ્વારા ટી.ડી.એસ. પણ કપાત કરવામાં આવેલી છે.

જેથી સ્પષ્ટ રીતે ફલીત થાય કે, આર.સી.સી.લીમીટેડ કંપની પાસેથી શ્રીજી શીપીંગ કંપનીના લેણી રકમ કેટલી વસુલવાની બાકી છે. તેમ છતાં આર.સી.સી. કંપની દ્વારા આ લેણી રકમ ન ચુકવતા શ્રીજી શીપીંગ કંપની દ્વારા એન.સી.એલ.ટી. કંપની ટ્રીબ્યુનલ (નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)માં લેણી રકમ વસુલવા માટે કેસ દાખલ કર્યો છે. આ કેશમાં શ્રીજી શીપીંગ કંપનીના વકીલો તરીકે રાજેશ સવજાણી તથા હિતેન ભટ્ટ રોકાયા છે.
