Mysamachar.in-અમદાવાદ:
આ વર્ષે ચોમાસામાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ સારો રહ્યો છે, તેથી ખેડૂતો સહિતના તમામ ગ્રામજનો અને શહેરીજનો ખુશ છે. અમુક વિસ્તારોમાં જો કે ભારે વરસાદ પણ થયો છે, તેથી લોકોને કેટલીક હાલાકીઓ પણ વેઠવી પડી છે. દરમિયાન, સૌ ખાસ કરીને ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે, થોડો વરાપ મળી જાય તો સિઝન વધુ સારી સાબિત થઈ શકે. અને, યોગાનુયોગ હવામાન વિભાગની આગાહી પણ આ પ્રકારની આવી, જે વરસાદી વિરામનો વરતારો કહી રહી છે.
રાજ્યના હવામાન વિભાગે કહ્યું: આજે તા. 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કયાંય પણ ભારે વરસાદની સંભાવનાઓ નથી. વરાપ રહેવાનું અનુમાન છે. હા, છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક એકદમ મર્યાદિત પ્રમાણમાં વરસાદ વરસી શકે. હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે, રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થઈ છે, જેથી ભારે વરસાદની શકયતાઓ હાલ નથી. હળવો વરસાદ પડી શકે છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના વિસ્તારોમાં આ વખતે એકધારો વરસાદ પણ થયો છે. જેને કારણે લાખો ખેડૂતો વાડીખેતરોમાં નિંદામણ સહિતના કામો પણ કરી શક્યા નથી. ઘણાં વાડીખેતરોમાં પાણી પણ ભરાયેલા છે. આ બધાં ખેડૂતો ચાહતા હતાં કે, વરસાદ વિરામ લ્યે અને વરાપ મળે. દરમિયાન, હવામાન વિભાગની આ સાનુકૂળ આગાહી આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સરખામણીએ આ વખતે અત્યાર સુધીમાં 34 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલનો વરાપ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.