Mysamachar.in-ગાંધીનગર:
લેન્ડ રેકર્ડ મહત્વની સરકારી કામગીરી છે, જેમાં ખેડૂત ખાતેદાર સંબંધિત કામગીરીઓ જો યોગ્ય રીતે ન થઈ શકે તો, અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉદભવે અને ગેરરીતિઓની પણ જગ્યાઓ રહે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરોની હદ પરની અને ગ્રામ્ય વિસ્તારોની ઘણી જમીનો સંબંધે, ઘણાં પ્રકારના ખાનગી કુંડાળાઓ અને સરકારી લોચા ચાલતાં રહેતાં હોય છે અને ઘણી વખત જાહેર પણ થઈ જતાં હોય છે.
લેન્ડ રેકર્ડ કામગીરીઓ દરમિયાન ખેડૂત ખાતેદારોના આધાર નંબરનું સિડિંગ કરવું- આ પ્રકારની સૂચનાઓ સરકારે પરિપત્રના માધ્યમથી 2016 અને 2018 માં આપી હતી. તેની સામે હકીકત એ છે કે, 2016થી 2024 દરમિયાન લેન્ડ રેકર્ડ કામગીરીઓ દરમિયાન ખેડૂત ખાતેદારોના આધાર સિડિંગની કામગીરીઓ થઈ જ નથી. પરિપત્ર બહાર પાડ્યા બાદ, સરકાર જાણે કે આ વાત જ ભૂલી ગઈ ! કોઈ IAS અધિકારીઓએ અથવા કર્મચારીઓના કોઈ સંગઠને આટલાં વર્ષ દરમિયાન, સરકારને આ વાત યાદ નહીં અપાવી હોય ?!
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ખેતીની જમીન સંબંધિત કૌભાંડ અને ગુનાઓ થતાં રહે છે. ઘણાં કેસ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ પણ રજૂ થતાં હોય છે. ડમી આધારકાર્ડ બનાવવું કોઈ પણ વિસ્તારમાં ‘આસાન’ કામ છે, ડમી આધારકાર્ડ બનાવી, ખોટાં સાક્ષીઓ ઉભાં કરી જમીન માલિકો સાથે છેતરપિંડીઓ થતી રહેતી હોય છે, જેને અટકાવી શકાતી નથી. ફરિયાદો નોંધાતી રહે છે, તપાસો ચાલતી રહે છે. આધારકાર્ડ સિડિંગના અભાવે આ બધું ચાલતું રહે છે.
સરકારે 2016 અને 2018માં આ અંગે પરિપત્ર કરી, તમામ કલેક્ટર તથા તમામ જિલ્લાઓના વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલી કે, ગ્રામીણ કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે ખેડૂત ખાતેદારોના આધારકાર્ડનું લેન્ડ રેકર્ડ કામગીરીઓમાં સિડિંગ કરાવવું. આ કામગીરીઓથી જમીન ખરીદ વેચાણ સમયે સંભવિત ગેરરીતિઓ અટકાવી શકાય. પરંતુ આમાં અચરજની વાત એ છે કે, સરકારની ખુદની આ માટેની વેબસાઈટ પર આધારકાર્ડ સિડિંગનો વિકલ્પ જ નથી.(file image)