Mysamachar.in-ગાંધીનગર:
દેશભરમાં એક તરફ જાતિ આધારિત વસતિ ગણતરીની માંગ થઇ રહી છે, બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં OBC અનામત બેઠકો 10 ટકાથી વધીને સીધી 27 ટકા થવાની તૈયારીઓ ચાલી રહી હોય, રાજ્યના રાજકારણમાં અને રાજનીતિમાં વ્યાપક ઉથલપાથલની સંભાવનાઓ તજજ્ઞો નિહાળી રહ્યા છે. જનરલ વર્ગના ઉમેદવારોની સંખ્યામાં સંભવિત મોટો ઘટાડો આવી શકે છે અને સ્થાનિક સ્તરે OBC વર્ગનું પ્રમાણ અને અસરો નોંધપાત્ર બની શકે છે.
ઝવેરી પંચના રિપોર્ટ અનુસાર હવે આગામી ચૂંટણીઓમાં OBC અનામત હાલના 10 ટકાથી વધી, 27 ટકા થશે, SC અનામત 7 ટકા છે અને ST અનામત 14 ટકા હોય, આગામી ચૂંટણીઓમાં જનરલ ઉમેદવારોના 52 ટકા સામે અનામત ઉમેદવારોની સંખ્યા 48 ટકા રહેવા સંભવ છે. જો કે, સરકારે હાલમાં નવી સંભવિત વ્યવસ્થાઓ માટે નાગરિકો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા છે, તો પણ તેનાથી બહુ લાંબો ફરક પડવાની શકયતાઓ બહુ જૂજ છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, દેશભરમાં જાતિ આધારિત વસતિ ગણતરી છેલ્લે 1931માં આઝાદી અગાઉ થયેલી અને હાલ ફરીથી આ પ્રકારની માંગ ઉઠી છે. ગુજરાતમાં આગામી મહિનાઓમાં 4,765 ગ્રામ પંચાયત, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા તથા 2 જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠાની ચૂંટણીઓ આવી રહી છે, એ અગાઉ બેઠકોના ગણિત માટેનું સરકારનું જાહેરનામું બહાર પડી જશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ગુજરાતમાં OBC માં આશરે 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, જે કુલ વસતિમાં 49 ટકા જેટલી થાય છે, તેમાં 22 ટકા કોળી છે. કુલ જ્ઞાતિઓ પૈકી 52 ટકા જ્ઞાતિઓનો OBC માં સમાવેશ થાય છે. જેતે સમયે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં OBC ને 10 ટકાને બદલે વસતિ પ્રમાણે બેઠકો આપવાની માંગ થયેલી અને તેથી આ ચૂંટણીઓ અટકી પડી હતી. લાંબા સમયથી આ ચૂંટણીઓ અટકેલી હોય, આ બધી સંસ્થાઓમાં હાલ વહીવટદાર છે જેના પ્રત્યે લોકો તથા સ્થાનિક આગેવાનોમાં નારાજગીઓ વ્યક્ત થઈ રહી હોય, લોકો ઝડપથી આ ચૂંટણીઓ ઈચ્છી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 27 ટકા OBC અનામત સાથેની ચૂંટણીઓ થનાર હોય, આ મુદ્દો ગુજરાતની રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા સમર્થ સાબિત થઈ શકે છે.(file image source:google)