Mysamachar.in:અમદાવાદ
ઘણાં યુવકો અને યુવતીઓ કોઈ પણ કિંમતે અથવા ભોગે, પોલીસ અધિકારી બનવા તલપાપડ હોય છે. આ પ્રકારની માનસિકતા પાછળ ઘણાં કારણો હોય શકે છે. પરંતુ પોલીસ અધિકારી બનવા કોઈ ગુન્હો પણ આચરી શકે, એ વાત હજમ ન થાય તેવી છે. આવી એક હકીકત અમદાવાદમાં જાહેર થવા પામી છે, જેથી પોલીસ સત્તાવાળાઓને પણ અચરજ થયું છે.
અમદાવાદની 24 વર્ષની એક યુવતી કરાઈ પોલીસ તાલીમ એકેડમીનાં દરવાજે પહોંચી. તેણીએ ત્યાં એમ કહ્યું કે, તેણી PSI તરીકે પસંદ થી છે અને અહી તાલીમ માટે આવી છે ! તેણીએ દરવાજા પર આ સંબંધે એક પત્ર પણ દેખાડ્યો. પત્રમાં રાજ્યનાં વર્તમાન પોલીસ વડા વિકાસ સહાયની સાઈન હતી. પરંતુ તાલીમ એકેડમીનાં દરવાજા પરનાં સ્ટાફને કંઇક ખોટું થઈ રહ્યું હોવાની ગંધ આવી.
દરવાજા પરનાં આ સ્ટાફે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ યુવતી પાસે તાલીમ માટે જરૂરી સિલેકશન ઓર્ડર તો હતો પરંતુ ઓર્ડર નીચે કરવામાં આવેલી રાજય પોલીસ વડાની સહી શંકાસ્પદ છે. આ શંકાનાં આધારે એકેડમીએ તપાસ કરી અને છેલ્લે બનાવટી સાઈન મુદ્દે આઈપીસી ની વિવિધ કલમો (છેતરપિંડી સહિતની) હેઠળ આ ફોજદાર બનવા ઇચ્છતી યુવતી વિરુદ્ધ ગુન્હો પણ દાખલ કર્યો.
આ યુવતીનું નામ ધારા જોષી. તેણી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહે છે. અને, ફોજદારની પરીક્ષામાં અગાઉ આ યુવતી નાપાસ થયેલી છતાં તેણીએ પોલીસ અધિકારી બનવા આ ગુન્હો આચર્યો અને અંતે પોલીસનાં હાથમાં ઝડપાઇ ગઇ !