Mysamachar.in-જામનગર:
જામનગર કોંગ્રેસના શિક્ષિત અને સતત સક્રિય એવા એક નગરસેવિકાએ આજે જાહેરાત કરી દીધી કે, તેમણે કોંગ્રેસ છોડી દીધી છે. પક્ષના શહેર અને પ્રદેશ અધ્યક્ષને તેમણે આ નિર્ણયની જાણ કરી દીધી છે.
નગરસેવિકા જેનબબેન ખફીએ કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજાને પત્ર લખ્યો. આ પત્રની નકલ પ્રદેશ અધ્યક્ષને મોકલી આપવામાં આવી છે. આ પત્રમાં જણાવાયું છે કે, આ નગરસેવિકાએ પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. નગરસેવિકાએ આ નિર્ણયને કઠોર પણ લેખાવ્યો છે.
પત્રમાં જેનબબેન જણાવે છે: પક્ષ સાથે 20 વર્ષ સુધી વફાદારીથી જોડાયેલી રહી. પરંતુ હાલમાં પક્ષમાં અંદરોઅંદરની લડાઈ, હુંસાતુસી અને જી-હજૂરીનું મહત્ત્વ વધતું જાય છે, પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
જેનબબેન પત્રમાં લખે છે: શહેર કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિઓમાં પક્ષમાં સક્રિય રીતે કામ કરવું શક્ય નથી. જેથી આ કઠોર પણ જરૂરી નિર્ણય લઈ રહી છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ પદો પરથી આજે રાજીનામું આપુ છું.


