Mysamachar.in-જામનગર:
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કૌભાંડ માફક પ્રદૂષણ પણ જાણીતી બાબત છે. જો કે પ્રદૂષણ મામલે કારખાનેદારો વિરુદ્ધ કડક કાર્યવાહીઓ થતી નથી એ પણ હકીકત છે. હાલમાં પ્રદૂષણ મુદ્દે ચાર કારખાનેદારોને નોટિસ મળી છે અને પ્રદૂષિત પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, જામનગરના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ બાબતે તપાસ કરવામાં આવી છે, ચાર કારખાનેદારો પ્રદૂષણ ફેલાવતા મળી આવ્યા છે, નમૂનાઓ લેવામાં આવ્યા છે, નોટિસ આપવામાં આવી છે અને આ કાર્યવાહીઓનો રિપોર્ટ ગાંધીનગર કચેરીને મોકલવામાં આવ્યો છે. ત્યાંથી જે સૂચનાઓ કે આદેશ થશે તે પ્રમાણે આ કારખાનેદારો વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.
કચેરી સૂત્ર જણાવે છે કે, દરેડ ઉદ્યોગનગરના આ કારખાનાઓ એટલે કે ઈલેક્ટ્રોપ્લેટર્સ વ્યવસાયીઓ પોતાના કારખાનામાંથી જે પ્રદૂષિત પાણી છોડે છે તે પાણીને ટ્રીટમેન્ટ આપ્યા વગર છોડવામાં આવતું હોય પ્રદૂષણ થઈ રહ્યું છે. આ ચાર કારખાનાના નામ જય મહાદેવ ઈલેક્ટ્રોપ્લેટર્સ, ખોડલ ઈલેક્ટ્રોપ્લેટર્સ, વેવ ઈલેક્ટ્રોપ્લેટર્સ અને એક કારખાનું નામ વગરનું હોવાનું કચેરીએ જાહેર કર્યું છે.


