Mysamachar.in-જામનગર:
વિવિધ સરકારી વિભાગોમાં રાજ્ય તથા કેન્દ્રીય સ્તર પર એક સુપ્રિમ ઓથોરિટી હોય છે, પરંતુ આ સુપ્રિમ ઓથોરિટી પોતાના વિભાગ પર કેવી રીતે ‘નજર’ રાખે છે, એ વાત હવે કોઈથી અજાણ નથી, છાની નથી. બાંધકામ ઉદ્યોગમાં પણ RERA આવી એક ઓથોરિટી છે, જેનું માત્ર નામ જ મોટું છે ! આ દુકાનના પકવાનમાં કોઈ દમ નથી, તેથી બિલ્ડર્સ લોબી પહેલવાન માફક વર્તી રહી છે.
જામનગરને લાગેવળગે છે ત્યાં સુધી, શહેરને ફરતે ખીજડીયા બાયપાસથી માંડીને કાલાવડ બાયપાસ..લાલપુર બાયપાસ અને ખંભાળીયા બાયપાસ તથા રિંગરોડ અને ઢીંચડા સહિતના વિસ્તારો તેમજ પટેલ કોલોની સહિતના શહેરના તમામ આંતરિક વિસ્તારોમાં- લાખો કરોડો રૂપિયાના બાંધકામ પ્રોજેક્ટ ધમધમે છે, RERA ઓથોરિટી કયાંય નજરે ચડતી નથી કેમ કે જામનગર સહિતના શહેરોમાં સ્થાનિક કક્ષાએ નિયમોની અમલવારી માટે RERA દ્વારા ન તો સ્થાનિક કચેરી છે, ન તો કોઈ સુપરવિઝન અધિકારી !
બિલ્ડર્સ લોબી મનમાની ચલાવે છે, નિયમોનો ઉલાળિયો કરે છે, ગ્રાહકો જાગૃત છે નહીં અને બિલ્ડર્સને પૂછવાવાળું કોઈ છે નહીં- આથી બધું જ RERA છતાં આડેધડ ચાલે છે. ન કોઈને દંડ થાય છે, ન કયાંય મોનિટરીંગ થાય છે. ત્યાં સુધી કે કોઈ પ્રોજેક્ટમાં ગ્રાહકલક્ષી સુવિધાઓનો અભાવ હોય, રજૂઆત થાય તો પણ, ગ્રાહકોનું કોઈ નથી. ગ્રાહક રાજા નહીં, બિચારો છે. કારણ કે ઓથોરિટીના મોનિટરીંગના અભાવે બિલ્ડર્સ પહેલવાન છે.
આજથી વળી આ નવો નિયમ દાખલ, અમલ કરાવશે કોણ ?!..
RERAએ આજે 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં એવો નિયમ દાખલ કર્યો કે, તમામ બાંધકામ પ્રોજેક્ટની સાઈટ્સ પર નિયત લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈનું બોર્ડ મૂકી, તેમાં અક્ષરોની નિયત સાઈઝ અને નિયત રંગ સાથે, બાંધકામ પ્રોજેક્ટની તમામે તમામ વિગતો ગ્રાહકોની જાણકારીઓ માટે લખવાની રહેશે. નિયમ સારો છે, નિયમ અંગે ગ્રાહકો જાગૃત થશે ? અને જામનગરમાં આ નવા નિયમનો અમલ કરાવશે કોણ ? સ્થાનિક કક્ષાએ RERA ના કોઈ અધિકારી કે ઓફિસ જામનગરમાં છે નહીં ! RERAનો તમામ ‘વહીવટ’ ગાંધીનગર થાય છે અને કામગીરીઓ બધી ઓનલાઈન છે, તેમાં મહાનગરપાલિકાએ કોઈ જ ચાંચ અડકાવવાની હોતી નથી. આ સ્થિતિઓમાં નિયમો કે નવા નિયમનો મતલબ શું ??! એવો પ્રશ્ન જાણકારોમાં પૂછાઈ રહ્યો છે.





