Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં જૂનવાણી મકાન ધસી પડવાનો વધુ એક બનાવ આજે ફાયર શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યો. આ બનાવમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાઓ થઈ નથી. આ ઘટના રંગૂનવાલા હોસ્પિટલ નજીક બન્યો હોવાની વિગતો મળી છે.
મહાનગરપાલિકાની ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, ગત્ મોડી રાત્રે એટલે કે આજે વહેલી સવારે પોણાં ચાર વાગ્યા આસપાસ એક જૂનવાણી મકાનની છત ધસી પડવાનો બનાવ નોંધાયો છે. આ મકાન રંગૂનવાલા હોસ્પિટલ વિસ્તારમાં આવેલું છે. આ બનાવમાં જાનહાનિ કે કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.
આ મકાનની છત ધસી પડ્યા અંગેની જાણ થતાં ફાયર સર્વિસની ટૂકડી બનાવની જગ્યાએ પહોંચી હતી અને મકાનના કાટમાળમાંથી પરિવારના પાંચ સભ્યોને બહાર લાવવામાં આવ્યા. જે પૈકી એક મહિલાને નાકમાં તથા નાક આસપાસ ઈજાઓ થઈ હોય, તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરિવારના બાકીના ચાર સભ્યો સંપૂર્ણ સહીસલામત છે.
જે લોકોને મકાનની બહાર લાવવામાં આવ્યા તેમાં હુશેનભાઈ સાટી(60), શકીનાબેન(32), નાયઝા(3) અને 3 મહિનાના એક બાળકનો સમાવેશ થાય છે. પરિવારના અન્ય એક સભ્ય રઝીયાબેન(60)ને નાકના ભાગમાં ઈજાઓ પહોંચી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચોમાસા અગાઉ શહેરના બધાં જ જર્જરીત મકાનોને સમારકામ કરી, સલામત સ્ટેજ પર લાવી, દુર્ઘટનાઓ તથા જાનહાનિ-અકસ્માત અટકાવવા એવો નિયમ છે. પરંતુ જામનગરમાં ચોમાસા દરમ્યાન અને ચોમાસા બાદ પણ જૂનવાણી મકાનો ધસી પડવાની ઘટનાઓ બનતી રહે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ દુર્ઘટનાઓ પણ સાબિત થઈ છે, લોકોના જિવ પણ ગયા છે.


