Mysamachar.in-જામનગર;
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તાજેતરમાં હેલિકોપ્ટર દ્વારા ગુજરાતની 2 દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા અને હિંમતનગર, ગાંધીનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં પોતાના વિભાગ હસ્તકના નેશનલ હાઈ-વેના જે કામો ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કર્યું. CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક પણ કરી અને કામો કેવી રીતે ચાલી રહ્યા છે એ અંગે મુખ્યપ્રધાનની તથા ઉચ્ચ અધિકારીઓની લાગણીઓ પણ જાણી. આ બેઠકમાં કામોની ખામીઓ ઉજાગર થઈ ગઈ.
નેશનલ ધોરીમાર્ગોના કામો ગુજરાતમાં કેવી રીતે થઈ રહ્યા છે તે સંબંધે એક ઉદાહરણ: હિંમતનગર વિસ્તારમાં તો કામ એટલી કઢંગી રીતે થઈ રહ્યું હતું કે, આ મુલાકાત પહેલાં ધોરીમાર્ગનું ‘સમારકામ’ કરવું પડ્યું. અને, આ ઉતાવળા કામ દરમ્યાન એક વાહન અકસ્માત સર્જાતા એક ઈજનેર સહિત ચારના મોત થઈ ગયા.
ગડકરી સાથેની મુલાકાતમાં ભૂપેન્દ્રભાઈએ એમ કહેવું પડ્યું કે, ગુજરાત કેન્દ્ર સરકારને વર્ષે ટોલટેક્સ પેટે સરેરાશ રૂ. 5,000 કરોડ આપે છે, કામો વ્યવસ્થિત કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ યોગ્ય રીતે થતાં નથી. આ મહત્વપૂર્ણ માર્ગો પર ખાડા પડી જાય છે. અકસ્માતો થાય છે. લોકોનો ભોગ પણ લેવાઈ રહ્યો છે. ટ્રાફિક જામ થઈ જાય છે.
ગુજરાતમાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની રહ્યા છે, તેના નિરીક્ષણ અને કામગીરીઓના અભ્યાસ સંબંધે ગુજરાતે એક ડોઝિયર તૈયાર કરી, ગડકરીને આપ્યું છે. તેમાં ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ છે. વિસ્તૃત રજૂઆત થઈ છે. ખામીઓ ઉજાગર કરવામાં આવી છે. હવે કોન્ટ્રાક્ટરો પર એકશનની સંભાવનાઓ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગડકરીના વિભાગ હસ્તક ગુજરાતમાં ભારતમાલા ધોરીમાર્ગ અને જામનગર-અમૃતસર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો પણ ચાલી રહ્યા છે. જે પૈકી જામનગર અને અમૃતસરને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું થતાં લોકોમાં સરકારની છબિને અસરો પહોંચી છે. કેટલાંક નવા રસ્તાઓ એવા છે જે યોગ્ય રીતે બન્યા ન હોય, સમારકામ કરવું પડ્યું. આ સમારકામ પછી પણ રસ્તાઓ તૂટી ગયા. કેટલાંક કામોમાં જમીન સંપાદન કામગીરીઓમાં લોચા અને વિલંબ જોવા મળે છે. કેટલાંક ધોરીમાર્ગ પર લોકોની સલામતીનું ઓડિટ કરવું જોઈએ. કારણ કે, ધોરીમાર્ગોની ડિઝાઈન ખામીઓ ભરેલી હોવાથી blind spots વધુ છે, જ્યાં એક્સિડન્ટ થઈ રહ્યા છે !


