Mysamachar.in-જામનગર:
સૌ જાણે છે કે, ભરોસો કરીએ તો, ક્યારેક કોઈ આપણાં ભરોસાની હત્યા કરી નાંખે અને આપણી સાથે ખેલ પડી જાય- આમ છતાં લોકો વિશ્વાસ કરતાં રહે છે અને છેતરાતા રહે છે, આવી વધુ એક ફરિયાદ શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં આખો મામલો રૂ. 2.43 કરોડથી વધુ રકમની છેતરપિંડીનો હોવાનું જણાવાયું છે.અને આંકડો હજુ વધુ મોટો હોય શકે તેવી શંકાઓ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જામનગરના ગુલાબનગર આદિત્ય પાર્કના રહેવાસી અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર અશ્વિન વશરામભાઈ વારા(41)એ આ ફરિયાદ, શહેરના નાગર ચકલા વિસ્તારમાં સરાના કૂવા નજીક રહેતાં અને શાતિર દિમાગ ધરાવતાં મનસિલ હર્ષદભાઈ કોયા નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી છે.
ફરિયાદી અશ્વિન વારાએ ફરિયાદમાં એમ જણાવ્યું છે કે, હું મિસા એન્ડ કંપની ચલાવું છું અને રિલાયન્સમાં કોન્ટ્રાક્ટર છું. આજથી ત્રણેક માસ અગાઉ હું અને મારો મિત્ર દેવશી અમરશી ગોહિલ બિઝનેસ સંબંધિત વાતચીત કરી રહ્યા હતાં ત્યારે મિત્ર દેવશી ગોહિલે આ વાતચીતમાં મનસિલ કોયાના નામનો ઉલ્લેખ કરી એમ કહ્યું કે, મનસિલ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતો અને જાતજાતના સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરતો મારો મિત્ર મનસિલ ઘણાં કામો કરે છે અને હાલ તે કામો મેળવવામાં નાણાંખેંચ અનુભવે છે. આમ જણાવી દેવશી નામના વ્યક્તિ મુલાકાત કરાવનાર અને ભોગ બનનાર પણ છે.
ફરિયાદીના કહેવા અનુસાર, દેવશી ગોહિલે એવી વાત કરેલી કે, મારો મિત્ર મનસિલ કોયા અન્ય લોકો પાસેથી નાણાંકીય રોકાણ મેળવી 30 ટકાના નફાવાળો આ ધંધો કરે છે, તેમાંથી 14 ટકા નફો રોકાણ કરનારને આપે છે, 14 ટકા નફો ખુદ રાખે છે અને 2 ટકા રકમમાંથી મેનેજમેન્ટ ખર્ચ કાઢે છે. આ ફરિયાદી બાદમાં હવાઈચોક નજીક મનસિલ એન્ટરપ્રાઈઝમાં દેવશી ગોહિલને સાથે રાખી આરોપી મનસિલની મુલાકાત કરે છે અને અહીંથી અસલી ખેલ શરૂ થઈ ગયો.
મનસિલ કોયાએ એમ જણાવીને ફરિયાદી(શિકાર)ને ભરોસામાં પલોટી લીધાં કે, આપણી પાસે કેટલીયે પંચાયતોના ડસ્ટબિન વગેરેના કામો છે. આ ફાંસલા સાથે આરોપીએ ફરિયાદીને એમ કહ્યું કે, હાલ એક કામ માટે રૂ. 21 લાખનું રોકાણ કરો. અને આ ફરિયાદી આરોપીની વાતોમાં લપેટાયા.
બાદમાં ફરિયાદીએ પોતાના મામાના દીકરા રક્ષિતના નામનો રૂ. 9 લાખનો ચેક, મામી હંસાબેન મુળજીભાઈના નામનો રૂ. 8 લાખનો ચેક તથા મામાની દીકરી કિરણના નામનો રૂ. 4 લાખનો ચેક- એમ કુલ રૂ. 21 લાખના 3 ચેક આરોપીને આપ્યા. આરોપીએ બેંકમાંથી આ ચેકના નાણાં ઉપાડી લીધાં. આરોપીએ ફરિયાદીને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે નવેમ્બરની દસ-બાર તારીખ આસપાસ નાણાં પરત પણ મળી જશે. આ દરમ્યાન આરોપીએ ફરિયાદીને GEM પોર્ટલ પરની એક વર્ક ઓર્ડરની કોપી પણ આપી હતી.
ત્યારબાદ ફરિયાદી આરોપીને જ્યારે ફરી મળવા ગયા ત્યારે આરોપીએ નવો દાવ શરૂ કર્યો. મહારાષ્ટ્રમાં એક કામ મળી ગયું છે, એમ જણાવ્યું. એ કામનો ઓર્ડર પણ દેખાડ્યો અને રૂ. 28.50 લાખનું રોકાણ છે એમ જણાવી આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 24.50 લાખનો ચેક અને રૂ. 3 લાખ રોકડા મેળવી લીધાં. આરોપીએ ત્યારે એમ કહ્યું કે, 45 દિવસમાં નાણાં પરત મળી જશે. આમ બે કામ પેટે આ ફરિયાદીએ આરોપીને કુલ રૂ. 48.50 લાખ આપ્યા.
બાદમાં આરોપીએ ફરિયાદીને ફોનમાં કહી દીધું ‘મુંબઈ જાઉં છું ‘ અને પછી આરોપી મનસિલનો ફોન બંધ જ થઈ ગયો. (ચકલો ઉડી ગયો). આ ફરિયાદીએ ફરિયાદમાં એમ પણ જાહેર કર્યું છે કે, આ રીતે મનસિલે અન્ય કેટલાંક લોકો પાસેથી જુદીજુદી રકમો ખંખેરી લીધી છે. છેતરપિંડીઓનો કુલ આંક રૂ. 2,43,50,000 છે. બધાં લોકોને ખોટાં કાગળો-વર્ક ઓર્ડર અને દસ્તાવેજો દેખાડી નાણાં પડાવી લીધાં. આરોપીની પત્ની ધાર્મિકાના બેંક એકાઉન્ટનો પણ આ ગુનામાં ઉપયોગ થયો છે.


