Mysamachar.in-
કોઈ પણ પરચૂરણ ગુનાનો પરચૂરણ આરોપી ધરારનગર, બેડેશ્વર કે શંકરટેકરી અથવા ગરીબનગર વિસ્તારમાં રહેતો હોય ત્યારે, તેવા ઘણાં કેસમાં સિફતથી CCTV ફૂટેજ ‘રિલીઝ’ કરવામાં આવતાં હોય છે, પછીના ઘટનાક્રમમાં એમ પણ જાહેર થતું હોય છે કે, હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સના આધારે તેમજ ટેક્નિકલ એનાલિસિસ અને મોબાઈલ લોકેશનના આધારે ફલાણા આરોપીને, ફલાણી જગ્યાએથી ‘દબોચી’ લેવામાં આવ્યો છે અને ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષની કબૂલાતમાં ફલાણી ફલાણી વિગતો આપતાં, આટલાં અનડીટેકટેડ ગુનાઓનો ભેદ ઉકેલી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે.
આ પ્રકારના અહેવાલો સમગ્ર ગુજરાતના વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમોમાં વાંચવા-સાંભળવા મળતાં હોય છે પરંતુ જો કોઈ આરોપી હાઈ પ્રોફાઇલ કે વગદાર કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલ પરચૂરણ હોદ્દેદાર પણ હોય તો, સમગ્ર તપાસ લાંબા સમય સુધી ‘ખાનગી’ રહેતી હોય છે અને તે દરમ્યાન આગોતરા જામીન સહિતના ‘કર્મકાંડ’ને ચર્ચાઓમાં આગળ ધરી દેવામાં આવતાં હોય છે અથવા આરોપીની ધરપકડની વાત લોકોના દિમાગમાં ન ઝબકે એ માટે અન્ય પ્રકારના ‘ફણગા’ વહેતાં કરવામાં આવતાં હોય છે. જામનગરનો વિશાલ મોદી મામલો, કંઈક આ પ્રકારનો હોવાનું દેખાઈ રહ્યું છે.
આરોપી વિરુદ્ધ 31 ઓક્ટોબરે FIR દાખલ થયા પછી, એક સપ્તાહ બાદ, આ પ્રકરણ ચોક્કસ મોડસ ઓપરેન્ડી અનુસાર, ઉહાપોહ વગર, ધીમેકથી ‘જાહેર’ કરવામાં આવ્યું અને 31થી 21 દરમ્યાન તપાસ કે ધરપકડ સંબંધે કશું જ ‘જાહેર’ થયું નથી. આજે સવારે, મદદનીશ પોલીસ અધિક્ષકે આ પ્રકરણ સંબંધે કહ્યું કે, વિગતો તપાસનીશ અધિકારી પાસે, અને તપાસનીશ અધિકારીએ કહ્યું કે, ‘કશી નવી વિગતો નથી’.
પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલાં આ ટૂંકા જવાબો ટૂંકમાં, બધું જ કહી જાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાક દિવસ અગાઉ વિશાલ મોદીની આગોતરા જામીન અરજી પણ રદ્દ થઈ ચૂકી છે. પછી પણ, આરોપીના ‘કોલર’ સુધી પોલીસનો હાથ પહોંચી શક્યો નથી. ‘આરોપી વિદેશ નાસી ગયો’ એવું કદાચ અચાનક જાહેર થઈ જાય તો પણ, આવા કેસમાં કોઈને કશું અચરજ થતું હોતું નથી.
પીડિતા ફરી એક વખત પોલીસ પાસે પહોંચી, ‘હથિયાર’ ની વાત લઈ..
દરમ્યાન, એમ જાહેર થયું કે, પીડિતા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચી ગઈ અને લેખિતમાં રજૂઆત કરી કે, આરોપી પાસે ગન છે, આ ગન કમરે લટકાવી તે જાહેરમાં ફરે છે, તેણે મારૂં ખૂન કરી નાંખવાની ધમકી પણ આપેલી છે, મારી તથા મારાં પરિવારના જાનની સલામતી નથી, આથી જો તેની પાસે ગનનો પરવાનો ન હોય તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ અને જો પરવાનો હોય તો, તાત્કાલિક અસરથી પરવાનો રદ્દ કરવો જોઈએ. (પીડિતા ભયથી ફફડી રહી છે કે, ગનની ગોળી તેની છાતીમાં કે માથામાં ઉતારી દેવામાં આવશે તો ??!!).(symbolic image)




