Mysamachar.in-
અમેરિકા અને યુરોપના દેશોની સરખામણીએ ભારતમાં દર્દીઓના શરીર પર દવાઓની અસરોની સ્થિતિઓ અંગે વધારે ખતરનાક હાલત છે. મોટાભાગના દર્દીઓ એવા છે, જેમના શરીર પર દવાઓની અસરો થતી નથી. મેડિકલ જર્નલ લાન્સેટનો એક રિપોર્ટ જણાવે છે કે, લોકોના શરીરમાં રહેલાં બેકટેરિયા દવાઓ સામે લડવાનું શીખી ગયા છે. આથી દર્દીઓના શરીરમાં સામાન્ય દવાઓની અસરો થતી નથી. આથી આવા દર્દીઓને સામાન્ય દવાઓના બદલે મોંઘી અને વિશેષ સારવાર આપવી ફરજિયાત બની રહ્યું છે. આથી મેડિકલ ખર્ચ વધશે. સામાન્ય દવાઓથી દર્દીઓ સાજા નહીં થાય.
જે લોકોના શરીરમાં દવાઓની અસરો ન થતી હોય, રોગના જંતુ દવાઓ સામે લડતાં શીખી ગયા હોય, એવા લોકોની સંખ્યા અમેરિકામાં 20 ટકા અને ઈટાલીમાં 31 ટકા છે. ભારતમાં 83 ટકા દર્દીઓ એવા છે જેમના પર દવાઓ અસરો કરતી નથી. મેડિકલની ભાષામાં આવા દર્દીઓને MDRO એટલે કે multy drugs resistance organism પીડિત દર્દીઓ કહેવાય છે. આ દર્દીઓ પર antibiotics દવાઓની અસરો થતી નથી. આવા દર્દીઓ સામાન્ય દવાઓ કે સારવારથી સાજા થઈ શકતાં નથી. તેમને વિશેષ સારવાર આપવી પડે છે, જે ખર્ચાળ હોય છે. ભારતમાં આ સ્થિતિઓ ગંભીર બની ગઈ છે.
આવું શા માટે થઈ જાય છે ?..
આ ગંભીર કટોકટી સમગ્ર સમાજ માટે ચિંતાપ્રેરક છે. તેની પાછળ જવાબદાર છે આપણી સ્વાસ્થ્ય સંબંધિત કુટેવો. જે લોકો ડોક્ટરની સલાહ લીધાં વગર મેડિકલ સ્ટોરમાંથી આડેધડ દવાઓ લે છે તેમને આ તકલીફ થાય છે. ઘણાં લોકો ઘણાં પ્રકારના રોગોની સારવાર દરમ્યાન કોર્સ અધૂરો છોડી દે છે. ઘણાં લોકો સામાન્ય બિમારીઓ દરમ્યાન પોતાની રીતે હાઈડોઝ દવાઓ ખાધે રાખે છે. આ પ્રકારના લોકોના શરીરમાં રહેલાં રોગોના જંતુ એટલે કે બેકટેરીયા આવી દવાઓ સામે લડવાનું શીખી જતાં હોય છે. આથી આવા દર્દીઓ સામાન્ય દવાઓથી સાજા થતાં નથી. તેમને વિશેષ સારવારની જરૂરિયાત ઉભી થાય છે. લોકોએ આ બાબતે ગંભીર બનવું જોઈએ.


