Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં, લાંબા સમયથી વસવાટ કરતો એક વિદેશી મુસ્લિમ શખ્સ ઝડપાઈ ગયો હોવાનું સ્થાનિક પોલીસે જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે એસપી જયરાજસિંહ વાળાએ પત્રકાર પરિષદ કરી આ અંગેની વિગતો જાહેર કરી હતી કરવામાં આવ્યું છે કે, ખંભાળીયા તાલુકાના ધરમપુરમાંથી સિરીયા દેશનો એક મુસ્લિમ નાગરિક ગેરકાયદેસર વસવાટ કરતો ઝડપાઈ ગયો છે. આ શખ્સના વિઝાની મુદત ગત્ 2023માં પૂર્ણ થઈ ગઈ છે. આટલાં સમયથી આ શખ્સ સૌરાષ્ટ્રમાં છે. અગાઉ રાજકોટ રહેતો હતો. ત્યાં અભ્યાસ કરતો હતો.
આ શખ્સનું નામ અલી કામેલ (29) છે અને તે ધરમપુરમાં મહિપત મનજીભાઈ કછટીયા (32) સાથે રહેતો હતો. શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલો મહિપત કછટીયા અહીંની રામેશ્વરદીપ સોસાયટીમાં રહે છે. આ વિદેશી શખ્સ સાથે મહિપત કછટીયા ‘સંબંધ’ ધરાવે છે. કારણ કે, બંને LGBT communityના છે. LGBT એક એવી કોમ્યુનિટી છે જેમાં સ્ત્રી-પુરૂષ સંબંધ સિવાયનો શરીરસંબંધ ધરાવતાં લોકોનો સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંની એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. સહિતની પોલીસ ટીમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા તમામ પરિબળો ઉપર નજર રાખવામાં આવે છે. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એસ.ઓ.જી. ની ટીમ દ્વારા પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત પી.એસ.આઈ. કે.એમ. જાડેજા તથા સ્ટાફ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ આવેલી હોટેલ, પેટ્રોલ પંપ, ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિગેરે સ્થળોએ શંકાસ્પદ મનાતા શખ્સો અંગેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં પહોંચતા તેઓને બાતમી મળી હતી કે આહીર સિંહણ રોડ ઉપર આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક અંગ્રેજી ભાષા બોલતો યુવાન આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેતા આ વિદેશી શખ્સની ગતિવિધિ શંકાસ્પદ હોવાનું જણાતા પી.આઈ. કેકે. ગોહિલ અને પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે શાળા સંચાલક મહીપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉર્ફે માહી સતવારા, રહે રામેશ્વરદીપ સોસાયટી, ઉ.વ. 32) તથા આ શાળામાં પ્રિન્સીપાલ ઓફિસની એડમીન કલાર્કની ઓફિસમાંથી ઉજળા વાને અને દેખીતી રીતે ભારતીય ન હોય તે રીતનો હાવભાવ વાળો શાખા અલી કામેલ મઈહબ, મુસ્લીમ, (ઉ.વ. 29, મુળ રહે. જાબલાહ (જેબલાહ), નેશનલ હોસ્પિટલ વિસ્તાર, સીરીયા, હાલ રહે. રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્ટ સ્કુલની સામે, ખંભાળિયા) મળી આવ્યો હતો.
આથી પોલીસે આ વિદેશી શખ્સ અલીની પાસેથી પાસપોર્ટ અને વિઝા માંગતા આ શખ્સે જુદા જુદા ત્રણ પાસપોર્ટ આપ્યા હતા. જેમાં જે સ્ટુડન્ટ વિઝા હોય જેની મુદત તારીખ 14 માર્ચ 2020 ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું જણાયું હતું અને ત્યારબાદ ઓનલાઈન તે વિઝા રીન્યુ કર્યા હતા. પરંતુ તેની પણ છેલ્લી તારીખ 5 જુલાઈ 2023 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. અને ત્યાર બાદની કોઈ વિઝાના હોય જેથી આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે દિલ્હીની સંસ્થા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું રેફ્યુજી કાર્ડ રજૂ કર્યું હતું. પરંતુ પોલીસને આ રેફ્યુજી કાર્ડ અંગે શંકા જતા આ શખ્સને વિઝા વગર ભારતમાં રહેવા બાબતે કડકાઈપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં તેણે વર્ષ 2019 માં સ્ટુડન્ટ વિઝા ઉપર સીરિયાથી ભારતમાં રાજકોટ ખાતે આવી અને મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન માં વર્ષ 2023 માં અભ્યાસ પૂર્ણ કરી અને ત્યારબાદ ચિત્તોડ ખાતે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં વિઝા વધુ સમયના ન હોય જેથી તેને પ્રવેશ મળ્યો ન હતો અને સીરીયા ખાતે પરત જઈ વધુ વિઝા મેળવીને પરત આવવા જણાવેલ હતું પરંતુ મજકુર ઈસમ પરત સીરીયા ગયેલ ન હતો.
મહત્વની બાબત તો એ છે કે સીરીયલ યુવાન એલજીબીટી કોમ્યુનિટી (LGBT COMMUNITY) માં હોય જેથી જયારે રાજકોટ ખાતે અભ્યાસ કરતો હતો. તે દરમ્યાન ટીંડર નામની વેબસાઈટથી ખંભાળિયાના ધરમપુરમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કુલ વાળા મહિપતભાઈ કછટીયા ઉર્ફે માહી સથવારાના સંપર્કમાં આવ્યો હતો આ માહી પણ એલજીબીટી કોમ્યુનિટી માં હોય, જેથી અવાર-નવાર તેઓ રાજકોટ ખાતે મળતા હતા અને બંન્ને વચ્ચે સબંધ હોય, જેથી અલી સીરીયા ગયો ન હતો અને ખંભાળિયામાં માહી સતવારા પાસે આવીને તેની સાથે રહેતો હતો. મહિપત ઉર્ફે માહીની પ્રેસિડેન્ટ સ્કુલમાં તે પરચુરણ કામગીરીમાં મદદ કરતો હતો અને ત્યાર બાદ UNHCR ખાતે અરજી કરીને શરણાર્થી (રેફ્યુજી) તરીકેનું કાર્ડ કઢાવ્યું હતું. પરંતુ હાલ આ શખ્સ અલી પાસે કોઈ વિઝા નહિં હોવાનું ખુલવા પામ્યું છે આટલું જ નહીં ખંભાળિયામાં તે રહી શકે તે માટેનો કોઈ આધાર પુરાવાઓ નહિં હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
આથી રાષ્ટ્રીય સુરક્ષા અર્થે તેની મુવમેન્ટ ઉપર નજર રાખવા માટે છેલ્લા ત્રણ દિવસથી તેને પોલીસે ડીટેઇન કરી રીસ્ટ્રીકશન હુકમ મેળવીને રીસ્ટ્રીકશનમાં રાખવામાં આવ્યો છે. આટલું નહીં સીરીયન યુવાન અલીની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ મારફતે જોઈન્ટ ઈન્ટ્રોગેશન રાખી, જોઈન્ટ ઈન્ટ્રોગેશનના અંતે ખંભાળિયા પોલીસ મથકમાં ફોરેનર્સ એક્ટ કલમ 14 (એ), 14 (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જે અંગે આગળની તપાસ કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. કે.એમ.જાડેજા, તેમજ સ્ટાફના વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, વિજયસિંહ ઘેલુભા જાડેજા, લખમણભાઈ કરશનભાઈ આંબલીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી


