Mysamachar.in-જામનગર:
કોઈ પણ શહેર અથવા ગ્રામ્ય વિસ્તારોમાં દરેક રાજકીય પક્ષમાં એક નહીં પણ અનેક ‘સેનાપતિ’ હોય છે, જેમની રાજનીતિ માત્ર પોતાના જૂથ આસપાસ કેન્દ્રિત થયેલી હોય છે. બાકીની મોટી અને નીતિવિષયક બાબતો તો છેક ઉપરથી નક્કી થતી હોય છે, સ્થાનિક કક્ષાએ તો માત્ર ‘અમલ’ જ થતો હોય છે. આ સ્થિતિઓને કારણે સ્થાનિક બાબતોમાં રાજકીય પક્ષોમાં કેટલાંયે અલગઅલગ ‘ચોકા’ અસ્તિત્વ ધરાવતાં હોય છે.
જામનગરની જ અને શાસકપક્ષની જ અત્યારે વાત કરીએ તો, ગત્ વિધાનસભા ચૂંટણીઓ બાદ અને કોર્પોરેશનમાં પાછલાં અઢી વર્ષ દરમ્યાન જે ચૂંટાયેલી પાંખ ‘પદ’ પર આવી પછી, પક્ષમાં સખળ ડખળ વધી ગયા હોવાની ચર્ચાઓ છે. શહેર યુનિટ ઘણાં ‘ભાગ’માં વિભાજિત થયાનું દેખાઈ રહ્યું છે, જેમાં 2 ચોકા મુખ્ય હોવાનું માનવામાં આવે છે. અમુક બંને તરફ ઢોલકી બજાવે અને અમુક નારાજ લોકો તો એકેય ચોકા સાથે જોડાતા નથી.
‘એકતા’યાત્રાની વાતમાં પણ, એકતા ન હોય તેવી સ્થિતિઓ હોવાની ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ. વાત વિજય ઉજવણીની હોય કે કાર્યક્રમ આયોજનની બેઠક- ચોક્કસ પ્રકારનું ‘વિભાજન’ નગરજનો અને પક્ષના લોકો પૈકી ઘણાં અનુભવી રહ્યા છે. આગામી સમયમાં ચૂંટણી છે, પક્ષના કેટલાંક લોકોને એવી જાણ થઈ ગઈ છે કે, આપણને અથવા આપણી ‘ટોળી’ને ટિકિટ મળવાની નથી- આવા લોકો નિષ્ક્રિય હોવાની સ્થિતિઓ અને કેટલાંક લોકો માત્ર ટિકિટની લાલચે જ, જુદાં જુદાં ચોકામાં સક્રિય હોવાની સ્થિતિઓ છે- એવું પક્ષના સામાન્ય કાર્યકરો ખુદ અનુભવી રહ્યા છે. અને, નગરજનોને પણ આવા સંકેતો મળી રહ્યા હોય એવી પણ ચર્ચાઓ છે. ખરેખર તો ધારી સફળતા કોઈ પણ સંગઠને ‘એક’ છત્ર નીચે વિકસવું જોઈએ. શાસકપક્ષની હાલની સ્થિતિઓની જે ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ છે, તેનો પડઘો કોર્પોરેશનની આગામી ચૂંટણીઓમાં પડઘાશે તો ?? એ પ્રશ્ન પણ પક્ષના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં પૂછાઈ રહ્યો છે.


