Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના ઘરે પત્ની પાસે આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લીધા બાદ પત્નીને પણ બાથ ભીડતા આ દંપતી ઉપરાંત બચાવવા જતા યુવાનના સાસુ પણ દાઝી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ ચકચારી પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખામાં મારુતિ નગર પાછળના ભાગે રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન વિરજીભાઈ રામાભાઈ ચૌહાણની 23 વર્ષની પુત્રી ઉર્મિલાબેનએ આજથી આશરે ત્રણેક માસ પૂર્વે ઓખામાં કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશભાઈ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સુધી બંને સાથે રહ્યા બાદ ઉર્મિલા અને જયને લગ્નજીવન ચલાવવું ન હતું. જેથી ઉર્મિલા છેલ્લા દસેક દિવસથી તેણીના માતા મીનાબેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.
આ દરમિયાન મંગળવાર તા. 11 ના રોજ ઉર્મિલાના પતિ જય એકાએક તેના સાસુ મીનાબેનના ઘરે આવ્યો હતો. પેટ્રોલના કેન સાથે આવેલા જયએ સૌ પ્રથમ પોતાના શરીરે પેટ્રોલ છાંટી અને દીવાસળી ચાંપી, આગજની કરી હતી. આ પછી તેણે પોતાના પત્ની ઉર્મિલાને પણ પોતાની બાથમાં લઈ લેતા બંને ભડભડ સળગવા લાગ્યા હતા. આ દરમિયાન અહીં રહેલા યુવતીના માતા મીનાબેને બંનેને છોડાવવા જતા આ દંપતી સાથે તેણી પણ શરીરને દાઝી ગયા હતા. આ બનાવમાં તેમના ઘરમાં રહેલો કેટલોક સામાન બળી જતા નુકસાની થવા પામી હતી.
આમ, આ આગના ખેલમાં દંપતિ તેમજ મહિલાને દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉર્મિલાબેનએ અગાઉ અન્ય એક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક બાળકનો જન્મ થયો હતો. આ બનાવ અંગે મીનાબેન વિરજીભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે જય સુરેશભાઈ બારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.(symbolice image)





