Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયાના પાદરમાં આવેલા એક કારખાનામાં ખાનગી કંપનીમાંથી મેળવી અને સપ્લાય કરવામાં આવતા પેટકોટના જથ્થામાં હલકી ગુણવત્તાવારા પેટકોકની ભેળસેળ કરી, અને કૌભાંડ આચરવામાં આવતા એલસીબી પોલીસે આ કારખાના માલિક, અન્ય એક કોન્ટ્રાક્ટર, ટ્રક ડ્રાઇવર સહિત 8 શખ્સોની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આ શખ્સો પૈકી એક શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારના વાહનો સહિત કુલ રૂપિયા 67.50 લાખનો મુદ્દામાલ કબજે કરી, તપાસ આદરી છે.
ખંભાળિયા વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી નયારા કંપનીમાંથી સુત્રાપાડા સ્થિત જી.એચ.સી.એલ. કંપનીમાં પેટકોકનો જથ્થો પહોંચાડવા માટે રાણાવાવની સમીર ટ્રાન્સપોર્ટ કંપની સાથે લેખિત કરાર કરવામાં આવ્યા હતા. જે પૈકીનો જી.જે. 14 ઝેડ 9455 નંબરનો પેટકોક ભરેલો અને તાલપત્રી ઢાંકેલો એક ટ્રક ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલા જી.આઈ.ડી.સી. સ્થિત સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં જોવા મળ્યો હતો. જે અંગે એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર અને સહદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં નયારા કંપનીમાંથી ઉચ્ચ કક્ષાના કિંમતી પેટકોકના જથ્થામાં નજીવી કિંમતનો હલકી ગુણવત્તાવાળો લો ગ્રેડનો રફ કોલસો ભેળસેળ કરવામાં આવતો હોવાથી આ અંગે જે-તે સમયે પોલીસમાં પ્રાથમિક નોંધ કરી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા આ પ્રકરણમાં ટેકનિકલ લેવલે સી.સી. ટી.વી. કેમેરાની ફૂટેજો અને કોલ ડિટેઈલ સાથે દસ્તાવેજી રેકર્ડનો અભ્યાસ કરી અને આ સમગ્ર પ્રકરણ પરથી કૌભાંડનો પડદો ઉચકવામાં આવ્યો હતો.
જેમાં જાહેર થયેલી વિગત મુજબ સમીર ટ્રાન્સપોર્ટ – રાણાવાવના કોન્ટ્રાક્ટર દ્વારા આકાશ એન્ટરપ્રાઇઝના માલિક એવા મૂળ પોરબંદર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા દિલીપ લખમણ ઓડેદરા સાથે ટ્રાન્સપોર્ટ માટેનો પેટા કરાર કરવામાં આવ્યો હતો. આ પછી દિલીપ ઓડેદરા દ્વારા ખંભાળિયાની સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ અને વેબ્રિજના માલિક હિતેશ પ્રેમજી નકુમ તેમજ આ જ બાબતના અન્ય એક વહીવટકર્તા ભાવિક વિનોદ કણજારીયા સાથે મિલાપીપણું રચીને ડ્રાઇવરો સાથે સુનિયોજિત કૌભાંડ આચર્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં આકાશ એન્ટરપ્રાઇઝના માલિક અને ભેળસેળ કરવાનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર દિલીપ લખમણ ઓડેદરા, સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ અને વેબ્રિજના માલિક નિતેશ નકુમ, વેબ્રિજના માલિકના પુત્ર અને વહીવટકર્તા ભાવિક વિનોદ કણજારીયા ઉપરાંત લોડરના ચાલક મનોજ સવજી કણજારીયા, ટ્રકના ચાલકો મુન્ના કનસિંહ ભુરીયા, નરશી પુના વાઘેલા, હનીફ આદમ લોરૂ અને શેતુલ જાદવ ખરા નામના ચાર શખ્સો સહિત કુલ 8 શખ્સોની સંડોવણી ખુલતા આ સંદર્ભે રાણાવાવના સમીર ટ્રાન્સપોર્ટના માલિક સમીરભાઈ બાપોદરાની ફરિયાદના આધારે ઉપરોક્ત આઠેય શખ્સો સામે ખંભાળિયા પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, ઉપરોક્ત આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
વધુમાં ખુલવા પામેલી વિગતમાં આરોપીઓએ મિલાપીપણું કરીને આગોતરા આયોજનબદ્ધ રીતે નયારા કંપનીના કિંમતી પેટકોકના જથ્થામાં લો ગ્રેડનો છ થી સાત ટન જેટલા કોલસાની ભેળસેળ કરીને અલગ અલગ આઠ ટ્રકોના ફેરા કરીને ચાલાકી તથા ચતુરાઈપૂર્વક જી.એચ.સી.એલ. કંપનીમાં ભેળસેળ કરવામાં આવેલો જથ્થો પહોંચાડી ટ્રક દીઠ રૂપિયા એક લાખથી વધુની કિંમતનો વધારાનો અનુચિત લાભ મેળવી, કોલસા કૌભાંડ આચર્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂ. 3,67,200 ની કિંમતના દળેલા પેટકોકની ભૂકી ભરેલા 540 બાચકા, રૂ. 15,400 ની કિંમતનો સાત ટન લો ગ્રેડ રફ કોલસો, રૂ. 47 લાખની કિંમતના પાંચ ટ્રક, ઇન્વોઇસ બિલ મુજબ 6,20,187 ન્યારા કિંમતનો કંપનીનો 37.170 ટન જેટલો પેટકોક, જી.પી.એસ. મશીન, સીસીટીવી કેમેરા અને ચાર નંગ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ. 67,50,627 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણ સંદર્ભે આગળની તપાસ એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓને તપાસનીસ પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા આજરોજ અહીંની અદાલતમાં રજુ કરી, આ પ્રકરણમાં સહ આરોપીઓની સંભવિત સંડોવણી, આર્થિક કરવામાં આવેલા વ્યવહારના પુરાવાઓ એકત્ર કરવા, ખાનગી કંપનીમાં કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે દિલીપ ઓડેદરાના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા દિલીપ ઓડેદરાના ત્રણ દિવસના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો છે
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ ચંદ્રવાડીયા, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ, મુકેશભાઈ, સચીનભાઈ, ક્રિપાલસિંહ અને પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવી હતી.ફોટો:- કુંજન રાડિયા


