Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લોકમેળા એક આગવી સંસ્કૃતિ છે, જેમાં લોકો મનોરંજન માણે છે, ધંધાર્થીઓ ‘લૂંટ’ ચલાવે છે અને સંબંધિત અધિકારીઓ સહિત સૌ ‘મોજ’ માણે છે- આવી એક સર્વ સામાન્ય છાપને સાચી ઠેરવતો એક બનાવ જામનગરના કાલાવડ ખાતે રણુંજા મેળામાં બની ગયો. 2 અધિકારીઓ ‘લાંચની મોજ’ માણવા ગયા પરંતુ અંદર થઈ ગયા અને સાથે એક વચેટીયો પણ ACBના હાથમાં આવી ગયો.
કાલાવડનો રણુંજા મેળો પ્રખ્યાત છે, જ્યાં હજારો લોકો દર વર્ષે કારતક મહિનાની બીજના દિવસે શ્રી રામદેપીરના મેળામાં ઉમટી પડે છે. આ મેળામાં રાઈડ્સ સહિતના ધંધાર્થીઓ મોટો ધંધો મેળવવા ઉતરી પડતાં હોય છે. આ દરમ્યાન રાઈડ્સનો એક ધંધાર્થી જે જામનગર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જુદાંજુદાં લોકમેળામાં રાઈડ્સ ગોઠવી ધંધો કરે છે. તેની આવી એક રાઈડ્સ કાલાવડના આ રણુંજા મેળામાં પણ લગાવવામાં આવી.
આ રાઈડ્સ માટે મંજૂરીની વાત આવી. મંજૂરી આપતાં અગાઉ રાજકોટ માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારીઓ રણુંજા ખાતે રાઈડ્સ ચેકિંગ માટે ગયા. ફિટનેસ સર્ટિફિકેટ આપવાના બદલામાં આ અધિકારીઓએ ધંધાર્થી પાસેથી રૂ. 1 લાખની લાંચની માંગ કરી. આ ધંધાર્થી લાંચ આપવા ઈચ્છતા ન હોય તેણે લાંચ રૂશવત વિરોધી તંત્રનો સંપર્ક કરી, ફરિયાદ અરજી આપી દીધી, જેના આધારે ACBના અધિકારીઓએ છટકું ગોઠવી 2 અધિકારીઓ અને 1 વચેટિયાને લાંચના આ છટકામાં ઝડપી લીધાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, માર્ગ અને મકાન વિભાગની આ રાજકોટ કચેરી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેળામાં યાંત્રિક રાઈડ્સને ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે મંજૂરીઓ આપવાની સતાઓ ધરાવે છે, આ સતાના બદલામાં અધિકારીઓ લાંચનો બિઝનેસ કરે છે ! લાંચના છટકાની વિગતો અનુસાર, આ 2 સરકારી અધિકારીઓ વતી એક વચેટીયાએ રૂ. 1 લાખની લાંચના આ પ્રકરણમાં ‘ભાવતાલ’ના અંતે, આ ધંધાર્થી પાસેથી રૂ. 50,000ની રકમ સ્વીકારી. જે અનુસંધાને ACBએ 2 અધિકારીઓ પિયુષ બાબુભાઈ બાંભરોલીયા (કાર્યપાલક ઈજનેર), નિરવ પ્રવિણચંદ્ર રાઠોડ (નાયબ કાર્યપાલક ઈજનેર) અને વચેટીયા સુધીર નવીનચંદ્ર બાવીસીની અટકાયત કરી લીધી છે.
ACBના રાજકોટ અને મોરબીના અધિકારીઓની ટીમે આ લાંચિયાઓને ઝડપી લેવાનું છટકું ગઈકાલે રાજકોટના પારેવડી પુલ ચોક વિસ્તારમાં ગોઠવેલું જે સફળ રહ્યું. અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષ દરમ્યાન જુદાં જુદાં મથકો ખાતે અલગઅલગ સમયે સેંકડો લોકમેળા યોજાઈ રહ્યા છે. કલ્પના કરો, બધાં જ મેળાઓનો કુલ મળી, સૌ સંબંધિત અધિકારીઓ કેવડો ‘ફાલ’ લણતાં હશે ?! આ પ્રકારની સ્થિતિઓમાં મેળાઓમાં ધંધાર્થીઓ દ્વારા લોકો પાસેથી ‘લૂંટ’ સમજી શકાય એવી બાબત છે. લૂંટમાં ઘણાં બધાં સંબંધિતોનો ‘ભાગ’ હોય છે ??! એવા પ્રશ્નો બધાં જ મેળામાં લોકોમાં ઉઠતાં રહે છે.


