Mysamachar.in-જામનગર:
જ્યારે સમગ્ર જનતા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લીન હતી, ત્યારે જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સેવામાં 24 કલાક ખડે પગે રહ્યો હતો. કારણ કે શહેરના મોટાભાગના ખાનગી તબીબો શહેર બહાર હતા ત્યારે જી.જી. હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સ, અને અન્ય તમામ કર્મચારીઓએ દિવાળીના દિવસોમાં પણ પોતાની ફરજને સર્વોપરી ગણીને ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.દિવાળી પર્વ દરમ્યાન હોસ્પિટલ ખાતેની ઈમરજન્સી સેવાઓ ૨૪x૭ કાર્યરત રહી હતી અને તબીબી સ્ટાફે સતત ખડે પગે રહી દર્દીઓની સારવાર કરી હતી.
દિવાળી પર્વના ગાળા દરમિયાન, ઈમરજન્સી વિભાગોમાં દર્દીઓને તાત્કાલિક અને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ઈમરજન્સી વોર્ડ ખાતે કુલ ૬૪૭ દર્દીઓ જ્યારે ટ્રોમા સેન્ટર ખાતે કુલ 225 દર્દીઓને સારવાર આપવામાં આવી, આમ કુલ 872 ઈમરજન્સી અને ટ્રોમા કેસને સંભાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આગમાં દાઝી ગયેલ કુલ 7 ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર આપી તેમના જીવ બચાવવાની મહત્વપૂર્ણ કામગીરી પણ હાથ ધરાઈ હતી. માત્ર ઈમરજન્સી જ નહીં, પરંતુ હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે કુલ 203 ડીલીવરી કરવામાં આવી હતી અને ન્યુ બોર્ન આઈ.સી.યુ. (NICU) માં કુલ 104 નવજાત બાળકોને પણ વિશેષ સારવાર આપવામાં આવી હતી.
આમ, જ્યારે આમ જનતા દિવાળી પર્વની ઉજવણી કરી રહી હોય ત્યારે, જી.જી. સરકારી હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સ, અને અન્ય કર્મચારીઓ દ્વારા કુલ 872 ઈમરજન્સી દર્દીઓ અને અન્ય વિભાગોના દર્દીઓ મળીને અનેક લોકોને દિવાળી પર્વ દરમ્યાન સારવાર આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી ‘સેવા પરમો ધર્મ:‘ના સૂત્રને સાર્થક કર્યું છે.





