Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘણાં બધાં લોકો, ઘણાં સમયથી ઈંતઝાર કરી રહ્યા છે પરંતુ સામાન્ય શેડ્યૂલની સરખામણીએ આ વખતે આ ચૂંટણીઓ થોડાં વિલંબથી થશે. કારણ કે, 7 ફેબ્રુઆરી સુધી તો મતદાર યાદીની કામગીરીઓ ચાલવાની છે. દરમ્યાન, જામનગરનું વોર્ડવાઈઝ બેઠકોનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે પક્ષો તથા ઉમેદવારો પાસે પસંદગી સંબંધે પુષ્કળ સમય રહેશે.
જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડ માટેનું કેટેગરી દર્શાવતું અને અનામત ફાળવણી દર્શાવતું નોટિફિકેશન બહાર પડી ગયું છે. જેમાં સામાન્ય એટલે કે જનરલ વર્ગ માટે 65 ટકા પ્રતિનિધિત્વ જાહેર થયું. જેમાં કુલ 64 બેઠકો પૈકી 42 બેઠક ફાળવવામાં આવી છે. જો કે, આ 42 બેઠક પૈકી 22 બેઠક મહિલા અનામત જાહેર થઈ છે તેનો અર્થ એવો થયો કે, જનરલ વર્ગમાં મહિલાઓ પુરૂષ સમોવડી જ નહીં, પુરૂષથી પણ એક વહેંત ઉંચે રહી છે.
અન્ય કેટેગરીમાં કુલ 64 પૈકી 17 બેઠક પછાત વર્ગ માટે જાહેર થઈ એટલે કે પ્રતિનિધિત્વ 27 ટકા થયું છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC) માટે કુલ 4 બેઠક જાહેર થતાં આ વર્ગનું પ્રતિનિધિત્વ 6 ટકા જાહેર થયું છે. આ સાથે જ એક બેઠક અનુસૂચિત આદિજાતિ (ST) માટે વોર્ડ નંબર 4 માં જાહેર કરવામાં આવી છે.
આ વખતના રોટેશનમાં વિવિધ વોર્ડમાં અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયો હોય ઘણાં બધાં સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે ઉમેદવારોની પસંદગીઓમાં ભારે ગડમથલ રહેશે. કેટલાંક ઉમેદવારોએ વોર્ડ બદલાવવા પડશે. કેટલાંક વોર્ડમાં ખાસ કરીને જનરલ કેટેગરીમાં મહિલા અનામત વધુ હોવાથી ઘણાં પુરૂષ ઉમેદવારોની ટિકિટ કપાઈ શકે છે, ચાન્સ ઘટી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઓબીસી એટલે કે અન્ય પછાતવર્ગ માટે 27 ટકા અનામતના નિયમની ચર્ચાઓ વચ્ચે, જામનગરમાં આ વર્ગને 27 ટકા અનામત આ રોટેશનમાં આપવામાં આવ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 10 માં આ વર્ગ માટે 4 પૈકી 2 બેઠક અનામત જાહેર થઈ છે. SC અનામત વોર્ડ નંબર 2,3,7 અને 11માં જાહેર થઈ છે. વોર્ડ નંબર 10ને બાદ કરતાં દરેક વોર્ડમાં પછાતવર્ગને એક એક બેઠક મળી છે. કુલ 17 બેઠક મળી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વખતે વિપક્ષની સક્રિયતા વધુ દેખાઈ રહી હોય, બધાં જ રાજકીય પક્ષોમાં આ વખતે ઉમેદવારોની પસંદગીઓ થોડી ‘ટફ’ તો રહેશે જ. આ ઉપરાંત આ ચૂંટણીઓમાં 2 જ મુખ્ય પક્ષ નથી, આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. એટલે એમ પણ બની શકે કે, કોઈ એક પક્ષને નુકસાન વધી પણ શકે. આ નોટિફિકેશન સાથે દરેક વોર્ડની વસતિનાં આંકડા જાહેર થયા છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, 2021માં જે વસતિ ગણતરી થવાની હતી તે થઈ નથી. છેલ્લે 2011માં વસતિ ગણતરી થયેલી. એ પછી જામનગરની હદમાં વધારો જાહેર થયો હતો. આ સ્થિતિઓ વચ્ચે વસતિનો સાચો આંકડો મળે કેવી રીતે ? અને શહેરની હદ વધારવામાં આવ્યા બાદ નવું વોર્ડ સીમાંકન પણ થયું નથી. આથી ભરોસાપાત્ર આંકડાઓની ગેરહાજરીમાં આ ચૂંટણીઓ થશે, એમ દેખાઈ રહ્યું છે. જો કે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદારયાદી ‘ચોખ્ખી’ બની જશે.


