Mysamachar.in-જામનગર:
જામનગરમાં સાધના કોલોની અને અંધાશ્રમ આવાસ ખાતે અગાઉ વસવાટ કરતાં હજારો પરિવારો આજે ‘ઘરબાર’ વગર રઝળે છે. આ આખો મામલો ક્યા કારણથી, મહિનાઓથી દબાયેલો પડ્યો છે ? એ પ્રશ્નનો ઉત્તર અહીં વાંચો. અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતની સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્લાન ધમધોકાર ચાલે છે, જામનગરમાં સોસાયટી રિડેવલપમેન્ટ શા માટે નહીં ? સૌ છાપેલો જવાબ આપે છે કે, બિલ્ડર્સ કામ રાખવા તૈયાર નથી.
હકીકત એ છે કે, અમદાવાદમાં રિડેવલપમેન્ટ કામ રાખનાર બિલ્ડર્સને કરોડો રૂપિયાનો લાભ કરાવી આપવા TDR છે. જામનગરમાં બિલ્ડર્સને TDR આપવામાં આવતાં નથી. આથી બિલ્ડર્સ કામ કરવા તૈયાર નથી, આથી હજારો પરિવારના ઘરો ઝૂંટવાઈ ગયા પણ નવા ઘર આપવામાં આવ્યા નથી.
TDR એટલે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ, આ અધિકાર પ્રાપ્ત થવાથી બિલ્ડર્સને કરોડોનો ‘કડદો’ મળે છે. જામનગરમાં હજુ સુધી આ ‘ગોઠવણ’ થઈ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના હીરજી મિસ્ત્રી રોડના ખૂણાં પર ‘લગડી’ જમીનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા TDR પ્રકારની એક યોજના થોડાં વર્ષ અગાઉ સાકાર થઈ ગઈ, આવી યોજના ‘ઘરબાર’ વગરના બની ગયેલાં હજારો પરિવારો માટે ક્યારે સાકાર થશે ?! અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ TDR સિસ્ટમમાં અમદાવાદમાં GHBએ પોતાના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ આચરી લીધું. હવે, આ બાબતે બધાં જ અધિકારીઓ મૌન !( file image)


