Mysamachar.in-ગુજરાત:
જામનગરથી માંડીને જલંધર સુધી અને એ રીતે દેશભરમાં, શેરીઓમાં રખડતાં કૂતરાંનો ત્રાસ એક મોટો અને ગંભીર વિષય બની ગયો છે. સાથે જ, ચિંતાનો વિષય એ છે કે- રાજ્ય સરકારો આ બાબતે સુપ્રિમ કોર્ટના વલણને પણ સહયોગ નથી આપતી. રખડતાં કૂતરાંના ત્રાસને ઘટાડવા સરકારો શું કરી રહી છે ? એ પ્રશ્નનો ઉત્તર સોગંદનામા પર આપવા કહેવાયું છે પરંતુ સરકારો ધ્યાન આપતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રખડતાં કૂતરાંનો ત્રાસ દેશભરના મીડિયામાં ચર્ચાઓમાં છે. ભારતની મુલાકાતે આવતાં સેંકડો પ્રવાસીઓને પણ આ બાબતે કડવા અનુભવ થયા છે. સુપ્રિમ કોર્ટે ત્યાં સુધી કહેવું પડી રહ્યું છે કે, આ મામલે દુનિયાભરમાં ભારતની છબિ ખરડાઈ રહી છે.
ગત્ ઓગસ્ટ માસ દરમ્યાન સુપ્રિમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અનુસંધાને કડક કાર્યવાહીઓ કરવા જણાવ્યું હતું અને આ બધાં જ પ્રદેશોમાં શું કામગીરીઓ થઈ રહી છે, તેની વિગતો અને માહિતીઓ સોગંદનામાના રૂપમાં અદાલત સમક્ષ રજૂ કરવા જણાવાયું હતું. આ સૂચના પછી, દેશના માત્ર 3 રાજ્ય પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી રાજ્ય સરકારોએ સુપ્રિમ કોર્ટમાં સોગંદનામા દાખલ કર્યા. અન્ય રાજ્યો દ્વારા 3 મહિનાથી આ બાબતે જરૂરી જાણકારીઓ સુપ્રિમ કોર્ટને આપવામાં આવી નથી.
સુપ્રિમ કોર્ટ દ્વારા આ સંબંધે ગુજરાત સહિતના બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું છે કે, ત્રીજી નવેમ્બરે દેશભરના મુખ્ય સચિવોએ આ બાબતે જવાબ આપવા સુપ્રિમ કોર્ટમાં પહોંચવાનું રહેશે. નોંધનીય છે કે, 3 મહિના અગાઉ સુપ્રિમ કોર્ટે બધી જ રાજ્ય સરકારોને રખડતાં કૂતરાંઓના ખસીકરણની સૂચનાઓ આપી હતી અને સાથે જ આ કામગીરીઓની વિગતો સોગંદનામા મારફતે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવા કહેવાયું હતું. પરંતુ 3 રાજ્યને બાદ કરતાં અન્ય સરકારોએ આ સંબંધે સહયોગ આપ્યો ન હોય, સુપ્રિમ કોર્ટે આ બાબતે હવે કડક વલણ અખત્યાર કર્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ રખડતાં કૂતરાંના ત્રાસને કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.


