Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક કાર અને ટ્રાવેલ્સની એક બસ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ, આ બંને વાહનો રસ્તા પર હતાં અને બંને વાહનોના ચાલકો અકસ્માત સંબંધે વાતચીત-બબાલ કરી રહ્યા હતાં એ દરમ્યાન એક ટ્રક ધસી આવ્યો અને બસ પાછળ ઘૂસી ગયો. જેથી બસમાં બેઠેલાં 3 પ્રવાસીઓના મોત થયા અને 15થી વધુ પ્રવાસીઓને ઈજાઓ પહોંચી.
આ અકસ્માત અમદાવાદથી 14 કિલોમીટર દૂર કણભા ગામના પાટીયા નજીક આજે સવારે સર્જાયો. પટેલ ટ્રાવેલ્સની બસને ઉપરાઉપરી 2 અકસ્માત નડી ગયા. પ્રથમ આ બસની ટક્કર કિયા કાર સાથે થઈ. બાદમાં આ બસ ઉભેલી હતી અને એક ટ્રક બસની પાછળ ઘૂસી ગઈ. 6 ઈજાગ્રસ્ત મુસાફરોને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં અસંખ્ય વાહનો ફસાયા હતાં. જેથી 108 એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે સમયસર પહોંચી શકી ન હતી. જો કે, બાદમાં 3 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને અમદાવાદ ખસેડવામાં આવ્યા.


