Mysamachar.in-જામનગર:
રાજ્યના હવામાન વિભાગે બે દિવસ અગાઉ આગાહી કરી હતી કે, અરબી સમુદ્રમાં તથા બંગાળની ખાડીમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ ડેવલપ થઈ હોય, ગુજરાતમાં આગામી સાત દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે. જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વરસાદના અહેવાલો છે.
જામનગરનું લઘુતમ તાપમાન 23-23.5 ડિગ્રી જેટલું રહેતું હતું તે આ આગાહી બાદ આજે ઘટીને 22 ડિગ્રી થઈ ગયું છે. લોકોને સતત અકળામણ કરાવતું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તરફ આગળ વધી 35.5 ડિગ્રી સુધી ઉંચે જતું રહ્યું હતું તે એકદમ ઘટીને 31 ડિગ્રી સુધી નીચે ઉતરી જતાં લોકોએ ગરમીમાં રાહતનો અહેસાસ કર્યો છે. બીજી તરફ વાતાવરણમાં ભેજ 90 ટકા સુધી પહોંચી ગયો છે. આકાશની ટાઢકને કારણે વાતાવરણની ઠંડક પણ નોંધપાત્ર છે. દરમ્યાન, જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ઠંડો પવન પણ હળવા અંદાજમાં અનુભવાઈ રહ્યો છે.
આ પ્રકારના વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઠેરઠેર વરસાદ વરસ્યો અને વરસી રહ્યો છે, ક્યાંક ઝરમર છે, એવા અહેવાલ મળી રહ્યા છે. અમરેલી-રાજુલામાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી પડ્યો. મહીસાગર પંથકમાં પણ વરસાદ, અમદાવાદ ઝરમર વરસાદ અનુભવે છે. તો આ તરફ ભાવનગર પંથકમાં પણ કમોસમી વરસાદ પડતા મહુવા તાલુકામાં તો 10 ઇંચ જેટલો વારસદ પડ્યાના અહેવાલ છે. આજે સોમવારે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ઘણાં બધાં જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ ધ્યાનમાં રાખી આજે સોમવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.


