Mysamachar.in-જામનગર:
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં શહેરના એક વેપારીએ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં જામનગરના જ એક શખ્સની ધરપકડ થઈ છે, તપાસ દરમ્યાન ધરપકડનો આંક વધી શકે છે. આ મામલામાં સાયબર ક્રાઈમનો માત્ર પ્રયાસ થયો છે, એવા મતલબની ફરિયાદ છે.
જામનગરના ઈવા પાર્ક ખાતે વસવાટ કરતાં અને પ્રગતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા ફરિયાદી ચેતન કરશનભાઈ કપૂરીયાએ પોલીસમાં એમ જાહેર કર્યું કે, એમની પેઢીના નામનું એક બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં છે અને મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ બ્રાંચે અન્ય એક અરજીના કારણસર આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરેલું છે.
ફરિયાદીના આ બેંક એકાઉન્ટની ફ્રીઝ થયા સહિતની માહિતીઓ કોઈ રીતે, જામનગરમાં રહેતાં આરોપી દર્શિત કિશોરભાઈ કાગદડા પાસે પહોંચી ગઈ ! આ બેંક એકાઉન્ટમાં રૂ. 1,44,00,000 પડેલા છે. આરોપીએ ફરિયાદીનો સંપર્ક કર્યો. અને ફરિયાદીને કહ્યું: આ બેંક એકાઉન્ટ હું અનફ્રીઝ કરાવી આપું. તે દરમ્યાન આરોપીએ ફરિયાદીને અલગઅલગ વ્યક્તિઓ સાથેની ઓળખાણની ખોટી વાતો કરી. વોટ્સએપ પર અવારનવાર વાતો કરી ફરિયાદી સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીએ ફરિયાદમાં આમ લખાવ્યું છે.
આ ઉપરાંત ફરિયાદીએ ફરિયાદમાં એમ પણ લખાવ્યું કે, તેઓ આરોપીની વાતમાં ફસાયા નહીં તેથી આરોપીએ નાણાં પડાવવા તેમને મની લોન્ડરિંગ અને EDના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીથી નાણાં પડાવવા પ્રયાસ કર્યો. પોલીસે ફરિયાદના આધારે ટેક્નિકલ જાણકારીઓ અને હ્યુમન સોર્સના આધારે આરોપી દર્શિતને ઝડપી લીધો છે. આરોપી જામનગરમાંથી ઝડપાયો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આરોપીને શોધી કાઢવાની આ સમગ્ર કામગીરીઓ સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ઘાસુરાના માર્ગદર્શન મુજબ કરવામાં આવી.


