Mysamachar.in-જામનગર:
જામનગરનો ખાદી ભંડાર 1956ની સાલથી પ્રખ્યાત છે. અહીં વારે તહેવારે અને આડે દિવસે ગાંધીબાપુને યાદ કરી, રૂમાલથી માંડીને વસ્ત્રોના કાપડના તાકા અને સાબુથી માંડીને દેશી ઓસડિયા સુધીની ચીજોની ખરીદી લોકો બેત્રણ પેઢીથી કરી રહ્યા છે પણ હવે ખાદીભંડારે શહેરમાં નવી જગ્યા શોધવી પડશે, તેનું સરનામું ફરી જશે.

જામનગરમાં બેડીના નાકા નજીક રણજિત રોડના ખૂણે આવેલો ખાદીભંડાર નગરના એકએક વ્યક્તિ માટે પરિચિત છે. આ ભંડાર જે ઈમારતમાં છે એ ઈમારત ફૂલચંદ મહેતા પરિવારની છે. આ પરિવારને વર્ષોથી આ જગ્યાની જરૂરિયાત છે પરંતુ 1971ની સાલથી ખાદીભંડારવાળી જગ્યાના કબજાનો કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો, હવે વડી અદાલતે ચુકાદો આપ્યો કે ખાદીભંડારનું સંચાલન કરતાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ નામના ટ્રસ્ટે આ જગ્યા ખાલી કરી આપવાની રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કાનૂની વિવાદ ભૂતકાળમાં જામનગરની અદાલતમાં પણ ચાલ્યો હતો. અને, મામલો એપેલેટ કોર્ટમાં પણ ગયેલો. આખરે વડી અદાલતમાં આ મકાનમાલિક પરિવારની વાત-દલીલ વડી અદાલતમાં માન્ય રહેતાં હવે આ વિવાદી જગ્યાનો કબજો મહેતા પરિવારને પ્રાપ્ત થઈ શકશે, ખાદીભંડારે 60 દિવસમાં કબજો સોંપી દેવાનો રહેશે. આથી હવે, ખાદીભંડારનું સરનામું ફરી જાય એવા સંજોગો 54 વર્ષની કાનૂની લડાઈ બાદ, મકાનમાલિકની તરફેણમાં સર્જાયા છે. આ પરિવારે સારી રીતે વસવાટ માટે અને બિઝનેસ માટે આ જગ્યાનો કબજો પરત માંગતો દાવો કર્યો હતો, જેનો ચુકાદો આવી ગયો છે.
