Mysamachar.in-જામનગર:
જામનગરના એક વેપારીએ એવી ફરિયાદ દાખલ કરાવેલી કે, તેના રહેણાંક મકાનમાં ચોરી થઈ છે જેમાં રોકડ તથા દાગીના ચોરાઈ ગયા છે. આ ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું કે, આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી ચોરીને અંજામ આપ્યા બાદ ચાંદીબજારમાં આંટા મારતો હતો.
ગઈકાલે રવિવારે જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર નજીકની વૃંદાવન સોસાયટીમાં રહેતાં તરુણ રાયઠઠ્ઠા નામના એક વેપારીએ એમ જાહેર કરેલું કે, પોતે ફરિયાદી પોતાના ભાઈના ઘરે રાત્રિના સમયે સૂવા માટે ગયા હતાં કારણ કે ત્યાં એમના માતા એકલા હતાં. આ દરમ્યાન આ ફરિયાદીના ઘરમાં હાથફેરો થઈ ગયો.

ફરિયાદીએ એમ જાહેર કરેલું કે, આ ચોરીના બનાવમાં ઘરના દરવાજાનો નકૂચો અને તાળું તોડી તસ્કરે ઘરમાંથી રૂ. સાડા છ લાખ રોકડા અને રૂ. બે અઢી લાખના સોનાના દાગીના ચોરી લીધાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાહેર કર્યું કે, કાલાવડના શિવા જેરામ વાજેલીયા નામના શખ્સને આ ચોરીના મામલામાં ઝડપી લેવાયો છે. આ શખ્સ ચાંદીબજાર સર્કલ નજીક આંટાફેરા કરતો હતો ત્યારે ઝડપાઈ ગયો.

પોલીસે આ શખ્સ પાસેથી રૂ. 6.50 લાખ રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂ. 15,67,800નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સ ઝડપાઈ જતાં પાછલાં પાંચ વર્ષ દરમ્યાનના ચોરીના ન શોધાયેલા હોય એવા એક ડઝન ગુનાઓ આ શખ્સની કેફિયત પરથી ડીટેકટ કર્યા છે. આ બધાં ગુનાઓ કાલાવડ અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતાં.
