Mysamachar.in-જામનગર:
જામનગરમાં કેટલાંયે પોલીસવડા આવ્યા અને ગયા- શહેરની ટ્રાફિક અવ્યવસ્થાઓ સૂલઝાવવામાં એક પણ પોલીસવડા કે એક પણ ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરે, કયારેય રસ લીધો નથી, એવા ઉદગારો નગરજનો બિંદાસ રીતે રોજ બોલી રહ્યા છે, કારણ કે આ નગરજનો વર્ષોથી કાયમ માટે ટ્રાફિકના જંગલરાજને કારણે ત્રાહિમામ્ પોકારી ગયા છે. સાથેસાથે, અચરજની વાત એ છે કે, આ સરિયામ નિષ્ફળતા છતાં પોલીસનો કાન કયારેય કોઈએ આમળી દેખાડ્યો નથી, તેથી લાખો નગરજનો આ બાબતે લાચારી અને અનાથપણાંનો અહેસાસ કરી રહ્યા છે.

હાલમાં તહેવારો ચાલી રહ્યા છે, શહેરના સુભાષ શાકમાર્કેટથી માંડીને છેક ગોકુલનગર જકાતનાકા સુધીના તમામ રસ્તાઓ પર, તમામ ચાર રસ્તાઓ પર- બધે જ ટ્રાફિક જંગલરાજ છે. લાખો નગરજનો આ જામમાં ફસાઈ જાય છે, મિનિટો અને કલાકો સુધી સૌ હેરાન પરેશાન, લાખો રૂપિયાના કિંમતી ઈંધણનો વેડફાટ, વાહનોના ધૂમાડાનું બેફામ પ્રદૂષણ અને ભયાનક ગરમી, જે લોકો તાકીદના કામો માટે અવરજવર કરી રહ્યા હોય એમના કામો રખડી રહ્યા છે, લાખો લોકોનો કિંમતી સમય વેડફાટ થઈ રહ્યો છે અને આ માત્ર આજની વાત નથી, છેલ્લા કેટલાંયે દિવસોથી નગરજનો આ યાતનાઓ સહી રહ્યા હોય- લોકોમાં પોલીસતંત્ર પ્રત્યે ભારે રોષ અને નારાજગીઓ વ્યક્ત થઈ રહ્યા છે.
