Mysamachar.in-અમદાવાદ:
સોનું નામની પીળી ચમકદાર ધાતુ હવે માત્ર શ્રીમંતો અને રોકાણકાર વર્ગમાં જ આકર્ષક રહી શકે, એવો ઘાટ ઘડાયો છે. નીચલો મધ્યમ વર્ગ સોનાથી દૂર ભાગી ગયો અને ઉપલો મધ્યમ વર્ગ ખરીદીમાં 30-40 ટકાનો કાપ મૂકી ચૂક્યો છે. કારણ કે, કોઈ રહસ્યમય કારણસર સોનું સતત મોંઘુ થઈ રહ્યું છે. આજે ધનતેરસના દિવસે સોનાનો એક તોલાનો ભાવ રૂ. 1.34 લાખ જાહેર થયો.
ગત્ વર્ષે જે લોકોએ ધનતેરસના દિવસે એક તોલો સોનું રૂ. 80,510 માં ખરીદ કર્યું હોય એ ગ્રાહક આજે ધનતેરસે એક તોલુ સોનું ખરીદવા જાય તો તેણે રૂ. 1.34 લાખ આપવા પડે. માત્ર એક જ વર્ષમાં સોનાના ભાવમાં 60 ટકાનો તોતિંગ ઉછાળો ઝીંકાયો છે. જે વ્યક્તિએ ગત્ વર્ષે રૂ. 1 લાખનું સોનું ખરીદ કર્યું હોય તે સોનાની આજની કિંમત રૂ. 1.55 લાખને આંબી ગઈ. આ સ્થિતિઓ વચ્ચે સામાન્ય ગ્રાહક સોનીબજારમાં જાય કેવી રીતે ??
સોના ચાંદીના ભાવ આટલાં ઉંચા થઈ ગયા હોય વેપારીઓએ હવે તહેવારો અને લગ્નસરા સમયે પણ ગ્રાહકની રાહ જોઈને બેસવું પડે છે. અને, રોકાણકાર વર્ગ પણ હવે બિલ સાથે અને બિલ વગરની ખરીદીમાં સો ગરણે ગાળીને પાણી પીવાનું પસંદ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. વર્ષ 2024-25 માં સોનામાં રોકાણકારોને 55 ટકા વળતર પ્રાપ્ત થયું. આ જ સમયગાળા દરમ્યાન શેરબજારના નિફટીમાં માત્ર સાડા ત્રણ ટકા વળતર પ્રાપ્ત થયું. સોનાના ભાવો શા માટે આટલાં ઉંચા જઈ રહ્યા છે એ અંગે સૌ પોતપોતાની રીતે વાતો કરે છે, સંતોષકારક કે તાર્કિક કારણ બહાર આવ્યું નથી. અને સોનાના આ ભાવની હવે પછીની ચાલ શું હશે, એ અંગે ખાતરી સાથે કયાંય, કશું સાંભળવા મળતું નથી.